રાણીપમાં ગેરકાયદે પશુ ભરેલા ટ્રક ચાલકે યુવાનને કચડી મારવાનો પ્રયાસ કર્યો
ટ્રક ચાલકનું આધારકાર્ડ નકલી હોવાનું સામે આવ્યુઃ કુલ પ સામે ફરીયાદ દાખલ
(પ્રતિનિધિ) અમદાવાદ, રાણીપ વિસ્તારમાંથી મોડી રાત્રે ગેરકાયદેસર રીતે ઘેટા-બકરા ભરેલ ટ્રક નીકળતાં ત્યાં ઉભા રહેલા યુવાનોએ તેને થોભાવવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન એક યુવાન ટ્રક પર લટકી જતાં આગળ જઈ ટ્રકમાંથી ઉતરેલા ડ્રાઈવર સહીત પાંચ ઈસમોએ તેને કચડી મારી નાંખવાનો પ્રયત્ન કર્યો હતો.
રાણીપની મહેતા સોસાયટીમાં રહેતા સચીનભાઈ પટેલ તેમના મિત્રો સાથે ગાયત્રીકુંજ સોસાયટી સામે ઉભા હતા દરમિયાન એક શંકાસ્પદ ટ્રક ઘેરા-બકરા ભરીને આવતા તેમણે મિત્રો સાથે મળીને રોકવાનો પ્રયત્ન કરતા ટ્રક ચાલક તેમની તરફ ધસી આવ્યો હતો.
દરમિયાન તે બાજુમાં હટી ગયા હતા એ સમયે ટ્રક ધીમી પડતાં તે ચાલુ ટ્રકે ડ્રાઈવરનો ખભો પકડી ચડી જતાં ડ્રાઈવરે તેમને નીચે પાડી દેવાનો પ્રયત્ન કર્યો હતો જયાંથી આગળ જઈ થોડે દુર ટ્રક ઉભી રાખી ડ્રાઈવર થા તેની સાથે રહેલા અન્ય ચાર શખ્સોએ સચીનભાઈને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો
દરમિયાન જાણ કરવામાં આવતા રાણીપ પોલીસ પણ આવી ગઈ હતી અને ડ્રાઈવર આચરખાન ગજ્જુ, મોચાર ફુગીખાન ગજ્જુ, મહંમદખાન રોશન સીંધી, અયુબ આચારખાન સીંધી તથા ચાંદણા સીંધી (તમામ રહે. બાડમેર, રાજસ્થાન)ને ઝડપી લીધા હતા ટ્રકની તપાસ કરતા તેમાંથી બસ્સો જેટલા ઘેટાં-બકરા મળી આવ્યા હતા બીજી તરફ આચરખાનનું આધારકાર્ડ પણ નકલી હોવાનું બહાર આવ્યુ છે. આ અંગે રાણીપ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.