૧૨ અઠવાડિયા પછી મૃત્યુમાં ૧૭ ટકાનો ઘટાડો નોંધાયો

Files Photo
દેશમાં ત્રણ અઠવાડિયાથી નવા કેસમાં ઘટાડો નોંધાયો છે
નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરમાં ભારતમાં નવા કેસની સાથે મૃત્યુઆંકમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે. દૈનિક કેસની સંખ્યામાં પાછલા અઠવાડિયાથી મોટો ફરક જાેવા મળ્યો છે, પરંતુ મૃત્યુઆંકમાં ધીમી ગતિએ ઘટાડો નોંધાઈ રહ્યો છે. જાેકે, ૧૨ અઠવાડિયા પછી દેશમાં કોરોનાથી થતા દૈનિક મૃત્યુમાં ૧૭%નો ઘટાડો નોંધાયો છે. ૩૪ દિવસ પછી દેશમાં કોરોનાથી થતા મૃત્યુનો આંકડો ૩૦૦૦ની નીચે પહોંચ્યો છે.
કોરોનાની બીજી લહેરનું જાેર હવે ઘટતું દેખાઈ રહ્યું છે, દેશમાં સતત ત્રણ અઠવાડિયાથી નવા કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, આ સાથે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોમાં પણ નવા કેસમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. ૨૪થી ૩૦ મે સુધીમાં દેશમાં ૧૨.૯૫ લાખ નવા કેસ નોંધાયા છે, જેમાં પાછલા અઠવાડિયાની સરખામણીમાં ૨૭%નો ઘટાડો નોંધાયો છે. કોરોના વાયરસના કેસમાં જે રીતે ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે તેવો ઘટાડો મૃત્યુઆંકમાં નથી જાેવા મળી રહ્યો,
દેશમાં ૨૪થી ૩૦ મે દરમિયાન ૨૪,૩૭૨ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે, આ અગાઉના અઠવાડિયા દરમિયાન આંકડો ૨૯,૩૩૧ પર પહોંચ્યો હતો. આ પહેલા ૧૧ અઠવાડિયા સુધી કોરોનાની બીજી લહેર દરમિયાન દેશમાં મૃત્યુઆંક ઊંચો જઈ રહ્યો હતો. આ પહેલા ૧-૭ માર્ચ દરમિયાન મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો હતો. મે મહિનામાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો ૧.૧૫ લાખને પાર કરી ગયો છે. જાેકે, કોરોનાના લીધે દેશમાં થયેલા મૃત્યુનો આંકડો ૩૦૦૦ની નીચે પહોંચ્યો છે, આવું ૨૬ એપ્રિલ પછી પહેલીવાર થયું છે. દેશમાં ૨૪ કલાકમાં ૨,૭૨૨ દર્દીઓના મોત નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્રના જૂના ઉમેરાયેલા ૪૧૨ મૃત્યુની ગણતરી કરવામાં નથી આવી.
રાજ્યમાં પાછલા બે અઠવાડિયામાં જૂના બાકી રહેલા ૬૦૦૦ મૃત્યુ ઉમેરવામાં આવ્યા છે. આ સાથે દેશમાં કોરોનાના નવા ૧,૫૩,૬૬૩ નવા કેસ નોંધાયા છે, ૫૦ દિવસ પછી આટલો મોટો ઘટાડો નોંધાયો છે. આ પહેલા ૧૦ એપ્રિલના રોજ ૧.૫૨ લાખ નવા કેસ નોંધાયા હતા. અઠવાડિયા દરમિયાન સૌથી વધુ ૨,૧૨,૦૮૩ કેસ નોંધાયા બાદ ઘટાડો નોંધાયો છે. અઠવાડિયા દરમિયાન દેશના ૩૬ રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોમાંથી ૫માં જ પાછલા ૭ દિવસની સરખામણીમાં નવા કેસમાં વધારો થયો છે. જે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સિક્કિમ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને લદાખનો સમાવેશ થાય છે. આ સિવાય આસામ અને ત્રિપુરામાં થયેલો ઘટાડો સામાન્ય છે.