માધુરી દીક્ષિતનો મોટો પુત્ર અરિન ગ્રેજ્યુએટ થઈ ગયો
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત અને તેમના પતિ શ્રીરામ નેને માટે ગૌરવ અપાવે તેવા સમાચાર છે. વાત જાણે એમ છે કે માધુરી દીક્ષિતનો મોટો દીકરો અરિન ગ્રેજ્યુએટ થઈ ગયો છે. માધુરી દીક્ષિતે સોશિયલ મીડિયા પર પોતાના પરિવારનો સુંદર ફોટોગ્રાફ શેર કર્યો છે. માધુરી દીક્ષિતે પોતાના ટિ્વટર હેન્ડલ પર એક પછી એક ટિ્વટ કરીને ખુશી વ્યક્ત કરી છે. ફોટોગ્રાફ શેર કરતા માધુરી દીક્ષિતે લખ્યું કે રામ અને મારા માટે ગૌરવની ક્ષણ છે,
કારણકે અરિન હાઈસ્કૂલથી ગ્રેજ્યુએશન કેપ સાથે ગ્રેજ્યુએટ થયો છે. વર્ષ ૨૦૨૧ના ક્લાસમાં ગ્રેજ્યુએટ થવા બદલ શુભેચ્છાઓ.’ માધુરી દીક્ષિતે આગળની ટિ્વટમાં લખ્યું કે આ વર્ષ તમારા બધા માટે કઠિન રહ્યું છે. સ્થિતિમાંથી બહાર આવવા અને સફળ થવા માટે તમારી તાકાત, મહેનતને અમે સલામ કરીએ છીએ. માધુરી દીક્ષિતે અન્ય ટિ્વટમાં લખ્યું કે તમારા પેશનને ફોલો કરો અને એક દિવસ તમારી પાસે કશું અલગ સમજવા માટેની શક્તિ હશે અને યોગ્ય ભેદ પારખી શકશો.
તમે જે પણ કરો તેમાં સફળ થાઓ તેવી અમારી ઈચ્છા છે. લવ યુ હંમેશાં. અહીં નોંધનીય છે કે માધુરી દીક્ષિતે વર્ષ ૧૯૯૯માં ડૉક્ટર શ્રીરામ માધવ નેને સાથે લગ્ન કર્યા હતા. માધુરી દીક્ષિતે વર્ષ ૨૦૦૩માં દીકરા અરિન અને વર્ષ ૨૦૦૫માં બીજા દીકરા રેહાનને જન્મ આપ્યો. લગ્ન બાદ અમેરિકામાં સ્થાયી થયેલી માધુરી દીક્ષિત વર્ષ ૨૦૧૧માં પરિવાર સાથે મુંબઈ પરત ફરી. માધુરી દીક્ષિતની જાણીતી બોલિવૂડ ફિલ્મોમાં ‘તેજાબ’, ‘બેટા’, ‘હમ આપકે હે કોન!’, ‘દિલ તો પાગલ હે’, ‘સાજન’, ‘રાજા’, ‘રામ લખન’, ‘પરિંદા’ અને ‘પુકાર’ વગેરેનો સમાવેશ થાય છે.