Western Times News

Gujarati News

મોરબીમાં વગર ડિગ્રીએ બની બેઠેલો તબીબ ઝડપાયો

પ્રતિકાત્મક

મોરબી: રાજયના પોલીસ વડા આશિષ ભાટિયાએ રાજ્યના તમામ રેન્જ આઈજીપી અને જીલ્લા પોલીસને આવા મેડીકલ માફિયાઓ અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબો પર તૂટી પડવાનો આદેશ આપ્યો છે ત્યારે રાજ્યમાં અનેક જિલ્લાઓમાંથી બોગસ તબીબો પકડાયા છે જેમાં મોરબીમાં પણ એક મુન્નાભાઈ એમબીબીએસ પકડાયો છે. મોરબી એસપી સુબોધ ઓડેદરાની સૂચનાથી ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં કોરોનાની મહામારીમાં દર્દીઓના સ્વાસ્થય અને જીવન સાથે ચેડા કરતા ડીગ્રી વગરના અને બોગસ મેડીકલ ડીગ્રી ધરાવતા નકલી ડોકટરોને શોધી કાઢવા મળેલી સુચનાના આધારે એસઓજી પીઆઈ જેએમ આલની ટીમને બાતમી મળી હતી કે રંગપર બેલા રોડ પર બોગસ તબીબ પ્રેક્ટિસ કરે છે.

જેથી તબીબી અધિકારી ડો. કિરણ વિડજા, પીએચસી રંગપરને સાથે રાખી રંગપર-બેલા રોડ પર આવેલ કોયો સીરામીકની સામે રામેશ્વર કોમ્પ્લેક્ષમાં ઓમ મેડીસીન નામના દવાખાનામાં તપાસ કરતા કોઇપણ પ્રકારના સર્ટીફીકેટ કે ડીગ્રી વગર આરોપી કિરીટ કેશવજીભાઇ રાચરીયા ઉ.વ.૩૭ ધંધો-મેડીકલ પ્રેકટીસ રહે. વિરપર તા.ટંકારા વાળાને ઓમ મેડીસન દવાખાનુ ચલાવી મેડીકલ પ્રેકટીશ કરતો હતો. કિરીટના દવાખાનામાં દવાનો જથ્થો તથા સાધનો કીમત રૂપિયા ૧૭,૮૫૩નો રાખી મળી આવતા મેડીકલ પ્રેકટીશનર એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મોરબી પોલીસ દ્વારા નકલી રેમડેસિવિરનું કૌભાંડ બહાર પાડી અને અનેક લોકોના જીવ સાથે ચેડાં થાય એ પહેલાં જ અટકાવી તમામ આરોપીઓને ભોં ભીતર કરી દીધા છે ત્યારે આગામી સમયમાં મોરબી પોલીસે બોગસ તબીબો પર કડક હાથે કામ લેવા કમર કસી લીધી હોવાનું એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું છે. સાથે જ જાે કોઈ બોગસ તબીબ પ્રેક્ટિસ કરતો હોવાનું જાણવા મળે તો મોરબી કન્ટ્રોલ રૂમ ૦૨૮૨૨ ૨૪૩૪૭૮ અથવા તેઓના મોબાઈલ નમ્બર ૯૯૭૮૪ ૦૫૯૭૫ પર સંપર્ક કરી જાણ કરવા અપીલ કરી છે.સાથે જ નામ અને ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેવું જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.