સાગર હત્યાકાંડઃ સુશીલ કુમાર વિરૂદ્ધ મકોકા લગાવી શકે છે
નવીદિલ્હી: રેસલર સાગરની હત્યાના કેસમાં ફસાયેલા ઓલમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર વિરૂદ્ધ આકરા પગલા ભરવાની તૈયારીઓ ચાલી રહી છે. દિલ્હી પોલીસ સુશીલ કુમાર પર મકોકા લગાવી શકે છે. જાણવા મળ્યા મુજબ પોલીસ સુશીલ કુમાર વિરૂદ્ધ મકોકા અંતર્ગત કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. મકોકાની કાર્યવાહી સંગઠિત ગુનો કરનારા વિરૂદ્ધ થાય છે. મકોકા લાગ્યા બાદ સુશીલ કુમારને સરળતાથી જામીન નહીં મળી શકે.
મકોકા કાયદો એટલો આકરો છે કે તે લાગ્યા બાદ સુશીલ કુમારને સરળતાથી જામીન નહીં મળી શકે. મકોકા બાદ ઉંમરકેદ સુધીની સજાની જાેગવાઈ છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રાજધાનીના ટોચના ગેંગસ્ટરમાં સામેલ કાલા જઠેડી અને નીરજ બવાના સાથેના સંબંધોને લઈ સુશીલ કુમારની કુંડળી ફંફોસવી શરૂ કરી દીધી છે. એવો આરોપ છે કે સુશીલ છેલ્લા કેટલાક સમયથી આ બંને ગેંગસ્ટરને લોકોની હેસિયત અને તેમના કામકાજની જાણકારી આપતો હતો.
પોલીસનું માનીએ તો સુશીલની ભૂમિકા પૂર્વ એમએલએ રામવીર શૌકીન જેવી હતી જે પડદા પાછળ રહીને પોતાના ગેંગસ્ટર ભાણા નીરજ બવાના માટે કામ કરતો હતો. રામવીર શૌકીન પણ હાલ જેલમાં છે.પોલીસના કહેવા પ્રમાણે ૨૦૧૮ના વર્ષમાં સુશીલ અને ગેંગસ્ટર્સ વચ્ચે ગઠબંધન થયું હતું. પરંતુ રેસલર સાગરની હત્યા દરમિયાન સુશીલે નીરજ બવાના અને અસૌડા ગેંગની મદદ લઈને કાલા જઠેડીના ભત્રીજા સોનૂ સાથે પણ મારપીટ કરી હતી. આ કારણે જઠેડી અને સુશીલ વચ્ચેના સંબંધોમાં તિરાડ સર્જાઈ હતી.