કોરોના મટ્યા બાદ બેક્ટેરિયાથી થતાં ઈન્ફેક્શનનું જાેખમ વધારે
કોરોનાથી સાજા થયાના ૨૦-૨૫, ૪૦ દિન બાદ ઈન્ફેક્શન દેખાય છે, સેકન્ડરી લંગ ઈન્ફેક્શનનું પ્રમાણ વધી રહ્યું છે
અમદાવાદ, પહેલા વાયરસ, પછી ફંગસ અને હવે બેક્ટેરિયા. કોરોનાથી રિકવર થયેલા દર્દીઓ માટે દિલ્હી દૂર છે તેમ કહી શકાય કારણકે રાજ્યભરના ડૉક્ટરો પાસે કોરોના મટ્યા બાદ વિવિધ બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કેસ આવી રહ્યા છે.
સ્યુડોનોમાસ, ક્લેબેસિએલા, એસિનેટોબેક્ટર જેવા બેક્ટેરિયાના કારણે થતાં ઈન્ફેક્શનના દર્દીઓના કેસ ગુજરાતભરના ડૉક્ટરો પાસે આવી રહ્યા છે. આ ઈન્ફેક્શન સેકન્ડરી લંગ ઈન્ફેક્શનનું કારણ બને છે અને મોટાભાગે રિકવરી આવ્યાના ૨૦-૨૫ દિવસ બાદ અથવા અમુક કિસ્સામાં ૪૦ દિવસ બાદ થયેલું જાેવા મળે છે.
રાજકોટના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. જયેશ ડોબરિયાએ કહ્યું, કોરોના મટ્યા પછી થયેલા સેકન્ડરી લંગ ઈન્ફેક્શનના ચાર દર્દીઓની હાલ સારવાર કરી રહ્યો છું. જે દર્દીઓને કોરોના સંક્રમણ વખતે ઈમ્યુનોસપ્રેસન્ટ દવાઓ અપાયેલી હોય, કો-મોર્બિડિટી અથવા તો પહેલાથી જ ફેફસાની કોઈ સમસ્યા હોય તેઓને બેક્ટેરિયા કે ફંગસનું ઈન્ફેક્શન લાગવાનું જાેખમ વધારે હોય છે.
પલ્મનોલોજિસ્ટ ડૉ. મિલન ભંડેરીએ કહ્યું, અમે આ પ્રકારના બેક્ટેરિયલ ઈન્ફેક્શન સ્વાઈન ફ્લૂના કેસ બાદ જાેયા હતા. દર્દીઓને ૮-૧૦ દિવસમાં સેકન્ડરી લંગ ઈન્ફેક્શન થતું હતું પરંતુ હવે કોરોનાથી સાજા થયાના ૩૦ દિવસ બાદ પણ આ પ્રકારની સ્થિતિ જાેવા મળી રહી છે.
મ્યૂકરમાઈકોસિસ (બ્લેક ફંગસ)ની જેમ જે કોરોનાના દર્દીઓનું બ્લડ શુગર અનિયંત્રિત રહેતું હોય, સ્ટીરોઈડ્સ, અન્ય દવાઓ અથવા અગાઉથી થયેલી બીમારીના કારણે ઈમ્યૂનિટી ઘટી હોય તેઓને ઝડપથી બેક્ટેરિયલ ઈન્ફેક્શન થાય છે. વડોદરાના ઈન્ફેક્શન દ્વારા થતાં રોગોના નિષ્ણાત ડૉક્ટર હિતેન કારેલિયાએ કહ્યું, કોરોનાથી સાજા થયેલા દર્દીઓના ફેફસા, યૂરિન અને લોહીમાં બેક્ટેરિયા દ્વારા થયેલું ઈન્ફેક્શન જાેવા મળી રહ્યું છે.
કેટલાક દર્દીઓમાં તો આ ઈન્ફેક્શન તેઓ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારથી જ ફેલાવાનું શરૂ થયું હતું. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને શ્વસન માટે મિકેનિકલ વેન્ટિલેટર તેમજ સેન્ટ્રલ વેનસ કેથેટર મૂકવામાં આવે છે. બહારથી શરીરમાં નાખવામાં આવેલા આ મેડિકલ ડિવાઈસના કારણે ગ્રામ નેગેટિવ પેથોજન્સની પ્રબળતા વધારે હોઈ શકે છે, તેમ ઈન્ટરવેન્શનલ પલ્મનોલોજિસ્ટ ડૉ. અમિત દવેએ જણાવ્યું.