મૈત્રી” સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા ઇકોફ્રેન્ડલી ગણેશ મહોત્સવ ઉજવવામાં આવ્યો
(પ્રતિનિધિ) નડીયાદ, નડિયાદ ‘મૈત્રી’ સંસ્થામાં મંદબુદ્ધિ તથા વિકલાંગ (દિવ્યાંગ) બાળકો દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી.
સંસ્થામાં દર વર્ષે આ દિવ્યાંગ બાળકો પણ સામાન્ય વ્યક્તિની જેમ જ આ પર્વની ઉજવણી કરી શકે તે હેતુસર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગણેશ સ્થાપનામાં બ્રહ્માકુમારીના પ્રવિણાબેન અને આરતીબેન સરોજબેન શાહ, દિનેશભાઈ મહેતા, પિન્ટુભાઈ, ચિન્મયભાઈ, દિવ્યાંગ બાળકો, વાલીઓ, શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂરી ભક્તિભાવથી ગણપતિ બાપ્પાની સ્થાપના કરી આ પવિત્ર તહેવારની ઉજવણી અનોખી રીતે કરી હતી.
વધુમાં, મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ એ જણાવ્યું હતું કે, આની વિશેષતા એ રહી છે કે ગણપતિ બાપ્પાની ઇકોફ્રેન્ડલી મૂર્તિનું સંપૂર્ણ ડેકોરેશન, મુગટ, બાજુબંધ, હાર, સુશોભન વગેરે બધું જ બાળકોએ જાતે બનાવ્યું છે. અને આ કાર્યક્રમમાં તમામ ધર્મના બાળકો જોડાઈ સાચા અર્થમાં ‘સર્વ ધર્મ સમભાવ’ નો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ‘મૈત્રી’ સંસ્થાના સ્ટાફ, ઇલસાસ કોલેજ અને ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક કોલેજનાં વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.*