ગુજરાત કોંગ્રેસ પ્રભારી પદ માટે કોંગ્રેસ હાઇકમાન્ડ કન્ફ્યુઝ
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના માળખામાં ફેરફાર થશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદથી જ ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતાને લઈને કોંગ્રેસ અસમંજસની પરિસ્થિતિમાં છે. આ સિવાય ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ તે પદ પણ ખાલી પડ્યું છે. કોંગ્રેસ ગુજરાત પ્રભારી પદ માટે અલગ અલગ નામો પર વિચાર કરી રહી છે ત્યારે તેમાં સચિન પાયલટના નામને લઈને નેતાઓમાં આંતરદ્રોહ છે.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી પદ માટે ઘણા બધા નામ પર ચર્ચા થઈ રહી હોવાનું સામે આવ્યું છે જેમાં મ્દ્ભ હરિપ્રકાશ, મુકુલ વાસનીક, અવિનાશ પાંડે, મોહન પ્રકાશ અને કમલનાથનો સમાવેશ થાય છે. જાેકે ગાંધી પરિવારની પહેલી પસંદ સચિન પાયલટ હોવાનું સામે આવ્યું છે.
સચિન પાયલટે થોડા મહિના પહેલા જ રાજસ્થાનમાં પોતાની જ સરકાર સામે બાંયો ચડાવી હતી અને સરકાર સામે વિદ્રોહ કર્યો હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમના પર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. જાેકે તે બાદ પાયલટની કોંગ્રેસમાં વાપસી થઈ ગઈ, જાેકે તેમનાથી ઉપમુખ્યમંત્રી પદ છીનવી લેવામાં આવ્યું. હવે અશોક ગેહલોત નથી ઇચ્છતા કે પાયલટને ગુજરાતમાં પણ કોઈ જવાબદારી આપવામાં આવે.
કેન્દ્રીય હાઇકમાન્ડમાં પણ સચિન પાયલટના નામને લઈને કોઈ એકમત નથી. ગેહલોત અવિનાશ પાંડે અથવા મોહન પ્રકાશને ગુજરાતના પ્રભારી બનાવવા માંગે છે. જાેકે કોંગ્રેસના કેટલાક નેતાઓ એવું પણ કહે છે કે સચિન પાયલટ પોતે પણ રાજસ્થાનની બહાર જવા માંગતા નથી. નોંધનીય છે કે અશોક ગેહલોત પોતે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રહી ચૂક્યા છે અને તેમના નેતૃત્વમાં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાં ત્રણ દશકમાં પહેલીવાર ૧૮૨માંથી ૭૭ બેઠકો મળી હતી.
માનવામાં આવે છે કે આ જ સપ્તાહમાં કોંગ્રેસ દ્વારા પ્રભારીની જાહેરાત કરવામાં આવી શકે છે. અવિનાશ પાંડે હવે પાયલટ કરતાં રેસમાં આગળ હોવાનું સામે આવ્યું છે જેમને રાજસ્થાનમાં પાયલટના વિવાદ સમયે પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે નાવા પ્રભારીની નિયુક્તિમાં અશોક ગેહલોતની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.