૨૦૨૨માં શહેરની તમામ ૧૬ બેઠક ભાજપને મળે તેવી મહેનત કરવાની છે: અમીત શાહ
અમદાવાદ: વર્ષ ૨૦૨૨ ની ચૂંટણી પહેલા અમદાવાદ ભાજપને નવા પ્રમુખ મળ્યાં છે. ત્યારે અમદાવાદ નવા શહેર પ્રમુખ અમિત શાહે આજે હોદ્દો ગ્રહણ કર્યો. ભાજપની ખાનપુર ઓફિસ ખાતે તેમનો પદગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે કહ્યું કે, કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ તરીકે પક્ષે મારી કરેલી નિમણુંક બદલ શીર્ષસ્થ નેતૃત્વનો આભાર માનું છું. હું જનસંઘ સમયથી જાેડાયેલો છું, ૪૦ વર્ષથી કામ કરી રહ્યો છું. ૨૦૦૫માં શહેર પ્રમુખ, વિરોધ પક્ષના નેતા હવે ૧૬ વર્ષ બાદ ફરી પ્રમુખ પદ મળ્યું છે.
તમામ કાર્યકરોને આહવાહન કરું છું કે ૨૦૨૨માં શહેરની તમામ ૧૬ બેઠક ભાજપને મળે તેવી મહેનત કરવાની છે. સી આર પાટીલે કહ્યું કોર્પોરેશનમાં ૧૬૦ બેઠક લાવીશું, લોકો હસતા હતા, પણ આપણે લાવી શક્યા. સૌ મહેનતમાં લાગીને પક્ષને મજબૂત કરીએ.
પૂર્વ મેયર અમિત શાહની અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરાઈ છે. ૬ મહિના કરતા લાંબા સમય બાદ અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લા પ્રમુખની જાહેરાત થઈ છે. અમદાવાદ શહેરની જવાબદારી પૂર્વ મેયર અમિત શાહને, તો ગાંધીનગર જિલ્લાની જવાબદારી અનિલ પટેલને આપી છે. આ બંને પ્રમુખો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જૂથના અને તેમની નજીક માનવામાં આવે છે. અમદાવાદ શહેરના પૂર્વ મેયર અમિત શાહ ૪૬ વર્ષનો લાંબો રાજકીય અનુભવ ધરાવે છે.
નવા પ્રમુખ અમિત શાહને આ વર્ષે યોજાયેલી અમદાવાદ મનપાની ચૂંટણીમાં ટિકિટ નહોતી મળી. ભાજપે નક્કી કરેલા નિયમોના કારણે તેમને ટિકિટ નહોતી આપવામાં આવી. તેઓ સતત ૫ ટર્મથી વાસણા ના કોર્પોરેટર હતા અને વર્ષ ૨૦૦૫ થી ૨૦૦૮ દરમિયાન અમદાવાદ ના મેયર રહ્યા હતા. અમદાવાદ શહેર ભાજપના હોદેદાર તરીકે તેમણે તમામ જવાબદારીઓ નિભાવી છે.
વર્ષ ૨૦૦૩માં તેઓ એએમસીના વિરોધ પક્ષના નેતા હતા. વર્ષ ૨૦૧૦ માં એએમટીએસ ચેરમેન બન્યા. ૨૦૧૭ માં શાસક પક્ષના નેતા તરીકે જવાબદારી નિભાવી. વર્ષ ૨૦૦૮-૨૦૧૮ સુધી આણંદ જિલ્લા પ્રભારી તરીકે કામ કર્યું. હવે અમદાવાદ જિલ્લાના પ્રભારી તરીકે કામ કર્યું અને હવે અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ બન્યા છે. અમદાવાદ શહેર સંગઠનમાં રહેલી નારાજગી અને અસંતોષ ઠારવાનો પહેલો પડકાર તેમની સામે છે.
કોરોનાની બીજી લહેરમાં લોકોમાં જે નારાજગી છે તેની સાથે જ કાર્યકરોમાં રહેલા રોષને ઠારવો પડશે. ગત નવેમ્બર મહિનામાં ભાજપ પ્રમુખ સીઆર પાટીલે પ્રદેશના ૩૯ જિલ્લા-શહેર પ્રમુખોની જાહેરાત કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અમદાવાદ ભાજપને પણ નવા પ્રમુખ મળવાના હતા, પરંતુ જે તે સમયના રાજકીય કારણોસર જાહેરાત અટકી ગઈ હતી. પૂર્વ મેયર હોવાના નાતે અમિત શાહ અમદાવાદને ખૂબ નજીકથી અને જમીની સ્તરે ઓળખે છે ત્યારે તેમની પાસે સંગઠનને અનેક અપેક્ષાઓ છે અને પડકારો છે. જાેવાનું એ રહેશે કે તેમની નિયુક્તિ અમદાવાદ શહેર સંગઠનમાં કેટલો બદલાવ લાવે છે.