ઝઘડિયા તાલુકાના પોરા ગામેથી મહાકાય મગર પકડાયો
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના પોરા ગામના નર્મદાના કોતરમાંથી મહાકાય મગર રેન્જ ફોરેસ્ટ ઓફિસ અને ઝઘડિયાની સેવ એનિમલ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. પોરા ગામના સરપંચ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા ૧૧ ફૂટ થી વધુ લંબાઈનો અને ૩૩૦ કિલો વજનનો નર મગર ઝડપી લેવાયો છે. પોરા થી ઝડપાયેલ મગરને કેવડિયાના સરદાર સરોવરના ક્રોકોડાઈલ પાર્ક ખાતે લઈ જવામાં આવશે.
ઝઘડિયા તાલુકાનો નર્મદા કિનારો મગરોના વસવાટ માટે સલામત છે.છેલ્લા કેટલા વર્ષો થી અહીં મગરો ખુબ મોટા પ્રમાણમાં દેખાવા લાગ્યા છે.જેથી વન વિભાગ દ્વારા નર્મદાના ઓવારા પર સાવચેતીના બોર્ડ અને કિનારા પર ફેન્સીંગ કરવામાં આવી છે. આજરોજ ઝઘડિયાના પોરા ગામના સરપંચને નર્મદા કિનારાના કોતરમાં મહાકાય મગર હોવાનું જાણવા મળ્યું હતું.સરપંચે ઝઘડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસ અને સેવ એનિમલ ટીમનો સંપર્ક કરી મગર હોવાની જાણકારી આપી હતી.રેન્જ ફોરેસ્ટ આૅફિસની ટીમ અને સેવ એનિમલ ટીમના સભ્યો,રાઉન્ડ ફોરેસ્ટ રાજપારડી દવારા અને પેટા વન વિભાગ ભરુચના આર.બી.પટેલના માર્ગ દર્શન હેઠળ ભારે જહેમત બાદ મહાકાય મગરને ઝડપી લીધો હતો.
મગરને ઝઘડિયા વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. નર મગરની લંબાઈ ૧૧ ફૂટ થી વધુ છે અને તેનું વજન ૩૩૦ કિલો હોવાનું રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી જે તડવી દ્વારા જણાવાયું છે. ઝઘડીયા ના પશુ ચિકિત્સક કુશલ વસાવાએ જણાવ્યું કે નરેન્દ્ર મગર હાલમાં એકદમ તંદુરસ્ત છે.પોરા થી ઝડપાયેલ મગરને આવતી કાલે કેવડિયાના સરદાર સરોવરના ક્રોકોડાઈલ પાર્ક ખાતે લઈ જવામાં આવશે.*