મહારાષ્ટ્રમાં કોવિડની સારવાર કરાવવી થઈ સસ્તી, સરકારે કિંમત નક્કી કરી

Files Photo
મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોના દર્દીઓને રાહત આપવાનો ર્નિણય લીધો છે. રાજ્ય સરકારે કોવિડની સારવાર કરનાર પ્રાઈવેટ હોસ્પિટલ જેઓ ઈચ્છા પડે તેવા ભાવ લે છે તેમના માટે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. તે પ્રમાણે મહારાષ્ટ્રના દરેક શહેરોને છ બી અને સી કેટેગરી આપીને શહેરમાં કોરોનાની સારવાર માટે રેટ નક્કી કરી દીધા છે. આ સંજાેગોમાં કોઈ પણ હોસ્પિટલ આ નક્કી કરેલા રેટ કરતાં વધારે ફી લઈ શકશે નહીં.
મહારાષ્ટ્રના સ્વાસ્થય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારે આ રેટ પહેલાં પણ નક્કી કર્યા હતા. જાેકે ત્યારે શહેરનું વર્ગીકરણ કરવામાં આવ્યું નહતું. ગયા નોટિફિકેશન પ્રમાણે ખાનગી હોસ્પિટલોને કહેવામાં આવ્યું છે કે, તેઓ તેમના ૮૦% બેડ પર કોરોના દર્દીઓ પાસેથી સરકારી દરે બિલ વસુલ કરશે, જ્યારે બાકીના ૨૦% બેડ પર તેમની રીતે બિલ નક્કી કરી શકે છે.
સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, ગયા નોટિફિકેશનની તારીખ બુધવારે ખતમ થઈ ગઈ છે. તેમાં ફેરફાર કરીને નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પહેલાં નક્કી કરવામાં આવેલી રકમ મોટા શહેરો અને અંતરયાળ વિસ્તારોમાં સમાન હતી.
નવા ફેરફારથી મહારાષ્ટ્રના શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામિણ વિસ્તારોમાં કોવિડ-૧૯ની સારવાર કરાવવી હવે સસ્તી થશે. આ વર્ગીકરણ તે રીતે જ કરવામાં આવ્યું છે જેવી રીતે વીમા કંપનીઓ અને વિવિધ પ્રકારનું ભથ્થુ આપવામાં આવતું હોય છે.
રાજ્ય સ્વાસ્થય ગેરંટી સોસાયટીના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. સુધાકર શિંદેએ જણાવ્યું છે કે, કોરોના સંક્રમિતોને હોસ્પિટલમાં દાખલ કરતી વખતે પ્રોવિઝનલ બિલ આપવું ફરજિયાત છે. તે ઉપરાંત કોઈ હોસ્પિટલ સારવારનું વધારે બિલ વસુલશે તો ફ્લાઈંગ સ્ક્વોર્ડ તપાસ કરીને સંબંધિત હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.