કોરોનાની ત્રીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ શકે છેઃ એસબીઆઈ

નવી દિલ્હી: દેશમાં તબાહી મચાવનાર કોરોના મહામારીની બીજી લહેર હવે અંકુશમાં હોવાના સંકેત મળી રહ્યા છે. પરંતુ દેશ પર કોરોનાની ત્રીજી લહેરનો ખતરો પણ સતત વધી રહ્યો છે. એસબીઆઈના અહેવાલ મુજબ દેશમાં સંભવિત કોરોના મહામારીની ત્રીજી લહેર પણ એટલી જ ખતરનારનાક સાબિત થઇ શકે છે.
દેશમાં ત્રીજી લહેરને લઇને સામે આવેલા આ રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, કોરોનાની ત્રીજી લહેર ૯૮ દિવસ સુધી દેશમાં કોહરામ મચાવી શકે છે.
વૈશ્વિક કોરોના મહામારીને લઇને આંતરરાષ્ટ્રીય સ્તરે અનુભવોના આધારે એસબીઆઈ ઇકોરેપની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ત્રીજી લહેરની અસર આગળની લહેરથી અલગ નહીં હોય. આ રિપોર્ટ મુજબ કોરોના સંક્રમણ સામે સુરક્ષિત રહેવા માટે યોગ્ય તૈયારીઓથી જ ત્રીજી લહેરમાં મોતના આંકડાને વધતો અટકાવી શકાશે.
રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દુનિયાના ટોપના દેશોમાં કોરોનાની ત્રીજી લહેર સરેરાંશ ૮૯ દિવસ સુધી ચાલી, જ્યારે બીજી લહેર ૧૦૮ દિવસ સુધી કોહરામ મચાવતી રહી. બીજી લહેર બાદ રાજ્યો અને કેન્દ્ર સરકારે ત્રીજી લહેર સામે રક્ષણ માટે અગમચેતી પગલા ઉઠાવવાની શરુઆત કરી દીધી છે. આવા કપરા સમયે ભવિષ્યને લઇને અનુમાન મહત્વપૂર્ણ સાબિત થાય છે