રસીની ખરીદીની સંપૂર્ણ વિગત આપવા કેન્દ્રને સુપ્રીમનો આદેશ
નવી દિલ્હી: કોરોના વેક્સિનેશનને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે વેક્સિન ખરીદીની સંપૂર્ણ વિગત આપવાનું કહ્યું છે. કોર્ટે ગુરૂવારે કેન્દ્રને આદેશ આપ્યો કે અત્યાર સુધી વેક્સિનની ખરીદી થઈ છે તેની સંપૂર્ણ વિગત રજૂ કરે. આ સિવાય અત્યાર સુધી કેટલી વસ્તીનું રસીકરણ થયું છે, તેનો પણ ડેટા રજૂ કરે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યુ કે તે જણાવે કે અત્યાર સુધી કોરોનાની કેટલી વેક્સિન ક્યારે-ક્યારે ખરીદવામાં આવી છે. કેટલી વસ્તીને રસી આપવામાં આવી ચુકી છે અને બાકી બચેલા લોકોનું ક્યાં સુધી રસીકરણ થઈ જશે. સર્વોચ્ચ કોર્ટે સરકારને તે પણ પૂછ્યું કે બ્લેક ફંગસની સારવાર માટે દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે શું પગલા ભર્યા છે, તેની પણ જાણકારી આપે.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, સરકાર તે ડેટા આપે અને સ્પષ્ટ રીતે જણાવે કે ત્રણેય વેક્સિન (કોવિશીલ્ડ, કોવૈક્સીન, સ્પૂતનિક-વી) ની ખરીદી માટે ક્યારે-ક્યારે ઓર્ડર આપવામાં આવ્યો. દરેક તારીખ પર વેક્સિનના કેટલા ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો અને તેની સપ્લાયની અનુમાનિત તારીખ શું છે.
આ સિવાય સર્વોચ્ચ ન્યાયાલયે સરકારને તે પણ જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી કેટલા ટકા વસ્તીને એક કે બે ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગ્રામીણ વિસ્તારમાં કેટલા ટકા લોકોને રસી મળી છે અને શહેરી ક્ષેત્રમાં કેટલા લોકોને.