રસી ન હતી તો આટલા બધા કેન્દ્રો શા માટે ખોલ્યા : કોર્ટ
નવી દિલ્હી: રસીની કમીને લઇને હાઇકોર્ટે બુધવારે દિલ્હી સરકારને ફટકાર લગાવી છે. હાઇકોર્ટે કહ્યું કે, જાે દિલ્હી સરકાર લોકોને નક્કી સમયમર્યાદામાં ભારત બાયોટેક દ્વારા બનાવેલી કોવેક્સિનના બન્ને ડોઝ આપી શકતી નહોતી, તો તેણે જાેર-શોરથી આટલા બધા કેન્દ્ર ખોલવાની જરૂર જ નહોતી. હાઇકોર્ટે દિલ્હી સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે.
જસ્ટિસ રેખા પલ્લીએ દિલ્હી સરકારને નોટિસ પાઠવી સ્પષ્ટતા કરવા કહ્યું કે, શું તે કોવેક્સિનનો પ્રથમ ડોઝ લઇ ચૂકેલા લાભાર્થીઓને છ સપ્તાહની સમયમર્યાદા પૂરી થતાં પહેલાં બીજાે ડોઝ આપી શકે છે.
દિલ્હી હાઇકોર્ટે બે અન્ય અરજીઓના પગલે કેન્દ્ર સરકારને પણ નોટિસ આપી છે. સાથે જ કહ્યું છે કે, દિલ્હીમાં કોવિશીલ્ડ અને કોવેક્સિનના બન્ને ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકાર સતત દાવો કરી રહી છે કે તેને યોગ્ય માત્રામાં રસી મળી રહી નથી. જેના લીધે તેને ઘણા રસીકરણ કેન્દ્ર બંધ કરવા પડ્યા છે. કોવેક્સિન લેનારાઓના બન્ને ડોઝ વચ્ચે છ સપ્તાહનું અંતર હોય છે. જ્યારે કોવિશીલ્ડના બે ડોઝ ૧૨થી ૧૬ સપ્તાહના અંતરમાં અપાય છે.