પુલવામામાં BJP કાઉન્સિલર રાકેશની ગોળી મારી હત્યા
નેતા રાકેશ પંડિત સુરક્ષાકર્મીઓ વગર મિત્રના ઘરે ગયા હતા જ્યાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં બુધવાર રાત્રે આતંકવાદીઓએ બીજેપીના મ્યુનિસિપલ કાઉન્સિલરની ગોળી મારીને હત્યા કરી દીધી. હુમલો એ સમયે થયો જ્યારે કાઉન્સિલર પોતાના એક મિત્રના ઘરે હતા. પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે ત્રણ આતંકવાદીઓના સમૂહે રાત્રે લગભગ ૧૦ઃ૧૫ વાગ્યે રાકેશ પંડિતા પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. તેમણે જણાવ્યું કે રાકેશને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા,
જ્યાં તેમનું મોત થઈ ગયું. આતંકવાદીઓના અંધાધૂંધ ફાયરિંગમાં રાકેશના મિત્રની દીકરી પણ ઘાયલ થઈ છે અને તેને ગંભીર સ્થિતિમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ પ્રવક્તાના જણાવ્યા મુજબ, રાકેશ પંડિતાને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી અને તેમને બે અંગત સુરક્ષાકર્મી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, નિયમોનું ઉલ્લંઘન કરીને તેઓ સુરક્ષાકર્મીઓ વગર જ દક્ષિણ કાશ્મીર સ્થિત પોતાના પૈતૃક ગામ ગયા હતા.
પ્રવક્તાએ કહ્યું કે વિસ્તારની ઘેરાબંધી કરી હુમલાખોરોને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના બીજેપી પ્રમુખ રવિન્દ્ર રૈનાએ આ હુમલાની નિંદા કરી છે. તેમણે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, રાકેશ પંડિતાની શહાદતને અમે વ્યર્થ નહીં જવા દઈએ. કાશ્મીરમાં આતંકવાદીઓએ ખતમ કરવામાં આવશે. રૈનાએ તેને માનવતા અને કાશ્મીરિયતની હત્યા ગણાવી છે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ કહ્યું કે, હિંસાની આવી મૂર્ખતાપૂર્ણ ઘટનાઓએ કાશ્મીરને હંમેશા દુઃખ પહોંચાડ્યું છે.