નવી પોલિસી યુઝર્સ પર થોપવામાં આવી રહી છેઃ કેન્દ્ર સરકાર
નવીદિલ્હી: વોટ્સએપની નવી પ્રાઈવેસી પોલિસી મામલે ગુરુવારે કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરી છે. કેન્દ્રએ હાઈકોર્ટને કહ્યું છે કે, વોટ્સએપ તેની ક્ષમતાનો ખોટો ઉપયોગ કરી રહી છે. પોલિસી માટે યુઝર્સ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. કંપની તેના યુઝર્સને વારંવાર નોટિફિકેશન મોકલી રહી છે. તે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગના ૨૪ માર્ચ ૨૦૨૧ના આદેશ વિરુદ્ધ છે. કેન્દ્રની માંગણી છે કે, કોર્ટ નવી પ્રાઈવેસી પોલિસી વિશે આપવામાં આવતા નોટિફિકેશન વિશે વચગાળાનો આદેશ આપે.
વોટ્સએપની પ્રાઈવેસી પોલિસી ભારત સહિત ઘણાં દેશોમાં ૧૫ મેથી લાગુ થઈ ગઈ છે. નવી પોલિસીનો સરકારે વિરોધ પણ વ્યક્ત કર્યો છે. પરંતુ હજી સુધી તેમાં કોઈ ફેરફાર જાેવા મળ્યો નથી. ત્યારપછી સરકારે કોર્ટમાં કહ્યું છે કે, વોટ્સએપ તેની નવી પોલિસી યુઝર્સ પર થોપી રહ્યું છે અને યુઝર્સ તે સ્વીકારે તે માટે અલગ અલગ ટ્રીક અપનાવી રહ્યું છે. કંપની ખૂબ હોશિયારીથી ડેટા પ્રોટેક્શન બિલનો કાયદો બને તે પહેલાં જ પોલિસીને યુઝર્સ સ્વીકારી લે તેવો પ્રયત્ન કરી રહી છે.
વોટ્સએપની નવી પ્રાઈવેસી પોલિસીનો કેન્દ્ર સરકાર વિરોધ કરી ચૂકી છે. ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિક મંત્રાલયે વોટ્સએપના સીઇઓ વિલ કૈથકાર્ટને પત્ર લખીને જણાવ્યું છે કે, વૈશ્વિક સ્તરે ભારત વોટ્સએપનો સૌથી મોટો યુઝર બેઝ અને સૌથી મોટું બજાર છે. વોટ્સએપની સેવા શરતો અને પ્રાઈવેસી પોલિસીમાં ફેરફારથી ભારતીય નાગરિકોમાં પસંદ અને સ્વાયત્તતા વિશે ગંભીર ચિંતા શરૂ થઈ છે. મંત્રાલયે પોલિસીમાં કરવામાં આવેલા ફેરફારોને પરત લેવા કહ્યું છે.
વોટ્સએપ યુઝર્સ જે કન્ટેન્ટ અપલોડ, સબમીટ, સ્ટોર, સેન્ડ અથવા રિસીવ કરી શકે છે. કંપની તેનો ઉપયોગ ગમે ત્યાં કરી શકે છે. કંપની તે ડેટાને શેર પણ કરી શકે છે. પહેલાં દાવો કરવામાં આવ્યો હતો કે, જાે યુઝર્સ આ પોલિસી સાથે એગ્રી ના થાય તો તે તેના એકાઉન્ટ નો ઉપયોગ નહીં કરી શકે. જાેકે અંતે કંપનીએ તેને ઓપ્શનલ ગણાવ્યું હતું.