મકાનમાલિક બે મહિનાથી વધુનું એડવાન્સ ભાડું નહીં લઈ શકે
નવીદિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં મોડલ ટેનન્સી એક્ટ એટલે કે આદર્શ ભાડૂત કાયદાને મંજૂરી આપી દીધી છે. આ કાયદામાં મકાનમાલિક અને ભાડુઆત બંનેના હિતોની જાેગવાઈ છે. તેના સંબંધિત વિવાદનો નિકાલ લાવવા ઓથોરિટી કે અલગ કોર્ટ બનાવવાનો પણ પ્રસ્તાવ છે.
નવા કાયદાના પ્રસ્તાવ અનુસાર મકાનમાલિક ભાડુઆત પાસેથી ૨ મહિનાથી વધુનું એડવાન્સ ભાડું નહીં લઈ શકે. જાે ભાડું નહીં મળે કે પછી ભાડુઆત મકાન ખાલી ન કરે તો મકાનમાલિક ૨થી ૪ ગણું ભાડું વસૂલી શકશે. સરકાર અનુસાર તેનાથી દેશભરમાં ભાડેથી મકાન આપવાની વર્તમાન વ્યવસ્થામાં ધરમૂળ પરિવર્તન કરવામાં મદદ મળશે અને ભાડાનો બિઝનેસ તેજી પકડશે.
વડાપ્રધાન મોદીના વડપણ હેઠળની બેઠકમાં કેબિનેટને આ કાયદાને મંજૂરી આપી હતી. હવે તે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલાશે. તે પ્રમાણે તે તેમના ભાડૂત કાયદામાં પરિવર્તન કે સુધારો કરી શકશે. સરકારે પહેલીવાર ૨૦૧૯માં આ કાયદાનો મુસદ્દો જારી કર્યો હતો. તેનો ઉદ્દેશ્ય ભાડુઆત અને સંપત્તિ માલિકો વચ્ચે જવાબદેહી સ્પષ્ટ કરવાનો છે અને બંને વચ્ચે ભરોસાને કાયમ કરવાનો છે.
નવો કાયદો અમલમાં આવ્યા બાદ લાંબા સમયથી બંધ મકાન કે પ્રોપર્ટી બજારનો હિસ્સો બનશે. મોટા ભાગના લોકો તેમના ખાલી પડેલાં મકાન ભાડે આપવા પ્રેરાશે, કેમ કે નવા કાયદામાં તે અંગેના વિવાદ ઉકેલવાની જાેગવાઈ છે. મકાન ભાડે આપવાના બિઝનેસમાં મોટી સંખ્યામાં ખાનગી ક્ષેત્રની કંપનીઓ આગળ આવશે, મકાનોની અછત દૂર થશે. નવો કાયદો આ પ્રોપર્ટી ભાડે આપવાનો અધિકાર આપશે. રેન્ટલ હાઉસિંગમાં ખાનગી લોકો કે કંપનીઓની હિસ્સેદારી વધશે. સરકાર કહે છે
મોડલ ટેનન્સી એક્ટનો ઉદ્દેશ્ય દેશમાં એક જીવંત, ટકાઉ અને સમાવેશી રેન્ટલ હાઉસિંગ માર્કેટ ઊભું કરવાનો છે. તે ખાલી પડેલાં મકાનોને ભાડા માટે ઉપલબ્ધ કરાવવા મદદ કરશે અને તમામ આવકજૂથ માટે ભાડાના પર્યાપ્ત રહેઠાણનો સ્ટૉક તૈયાર કરવામાં મદદ કરશે. તેનાથી બેઘરોના મુદ્દાનો સરળતાથી સામનો કરી શકાશે.