પાટણમાં બે બહેનપણીઓ એ કેનાલમાં છલાંગ લગાવી જીવન ટુકાવ્યું
પાટણ: પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલો ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થવા માટે જીવનથી હારી ગયેલા લોકો માટે મરવાનું સ્થાન બની રહી છે. હાલમાં ચાણસ્મા એક પરિવારનાં ત્રણ લોકોને કેનાલમાં કુદી આપઘાત કર્યાનો દુખદ બનાવ હજુ પણ તાજાે જ છે. ત્યાં હારીજના ભલાણા ગામની કેનાલમાં ઝંપલાવી બે બહેનપણીઓએ જીવનલીલા સંકેલી લીધી હોવાનું સામે આવ્યું છે.
શંખેશ્વર તાલુકાના સિપર ગામે રહેતા જગદીશભાઇ જાદવની ભત્રીજી સ્નેહલ નનુભાઇ જાદવ (સિપર ઉ.વ ૨૧) અને મુબારકપુરા ગામે રહેતી તેની બહેનપણી જયશ્રી ગગજીભાઇ સિંધવ ૧-૬-૨૦૨૧ ને મંગળવારે શંખેશ્વર ખાતે ખરીદી કરવા માટે નીકળી હતી. બંન્ને સહેલીઓ મોડે સુધી ઘરે પરત નહી ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા.,
પરિવારે શોધખોળ કરતા જે હકીકત સામે આવી તે જાણી બંન્ને પરિવારો પર આભ તુટી પડ્યું હતું. બંન્ને સહેલીઓએ કોઇ અગમ્ય કારણોથી ભગવાને આપેલી મહામુલા જીવનથી કંટાળી હારીજના ભલાણા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી.
બંન્ને બહેનપણીઓના મોત નિપજ્યાં હતા. આ કરૂણ ઘટનાને પગલે બંન્નેના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બનાવ અંગે જગદીશ જાદવે આપેલી માહિતી અનુસાર હાજરી પોલીસે સીઆરપીસી ૧૭૪ અનુસાર ગુનો નોંધ્યો છે. હાલ આ અંગે તપાસ ચલાવી રહ્યા છે.