પટણા એમ્સમાં ૩ બાળકોને કોવેક્સિનનો ડોઝ અપાયો
૧૦૮ બાળકોએ સ્વેચ્છાએ રજિસ્ટ્રેશન કરાવ્યું -વેક્સિન અપાયા બાદ ક્ષમેય બાળકો સ્વસ્થ, એક મહિનામાં કુલ ૫૨૫ બાળકો ઉપર ટ્રાયલ હાથ ધરાશેં
પટણા, ભારતમાં બાળકો પર કોરોના રસીની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. પટણાની એમ્સ હોસ્પિટલમાં ભારત બાયોટેકની કોવેક્સીનની બાળકો પર ટ્રાયલ શરૂ થઈ છે. અત્યાર સુધીમાં ૩ બાળકોને રસીનો ડોઝ અપાયો છે. અત્રે જણાવવાનું કે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર જાેખમની આશંકા વ્યક્ત કરાઈ છે ત્યારે આ સમાચાર મોટી રાહત કહી શકાય.
પટણા એમ્સના કોવિડ પ્રભારી ડોક્ટર સંજીવકુમારે કહ્યું કે ૧૨થી લઈને ૧૮ વર્ષની ઉંમરના બાળકો પર આ પરીક્ષણ મંગળવારથી શરૂ કરાયું. પહેલા દિવસે ૩ બાળકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો. ઈન્જેક્શન આપ્યા બાદ આ ત્રણેય બાળકો હાલ સ્વસ્થ છે.
સંજીવના જણાવ્યાં મુજબ આગામી એક મહિનામાં કુલ ૫૨૫ બાળકો પર આ પ્રકારે ટ્રાયલ હાથ ધરાશે. જે ત્રણ બાળકોને રસીનો ડોઝ અપાયો ૧૨ થી ૧૮ વર્ષની વયના છે અને પટણાના છે. ત્રણેય હાલ સ્વસ્થ છે. હોસ્પિટલે ત્રણેય બાળકોના માતા પિતાને એક ડાયરી આપી છે અને તેમના સ્વાસ્થ્યની નિગરાણી કરવાનું કહ્યું છે. જાે આ દરમિયાન બાળકને કોઈ પણ સમસ્યા થાય તો તેમને તરત પટણા એમ્સનો સંપર્ક કરવાનું કહેવાયું છે.
એમ્સમાં કોવેક્સીનની રસી માટે ૨૮મી મેથી રજિસ્ટ્રેશન શરૂ થયું છે. ૧૦૮ બાળકોએ અત્યાર સુધીમાં સ્વેચ્છાએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમના સ્ક્રિનિંગ બાદ પસંદ કરાયેલા ૩ બાળકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ અપાયો. બીજા તબક્કામાં બાળકો પર રસીની કોઈ નકારાત્મક અસર નહીં જાેવા મળે તો ત્રીજા તબક્કા અંતર્ગત રસીનો ડોઝ આપવામાં આવશે અને તે પ્રભાવી જાેવા મળશે તો રસીના ઉપયોગ માટે મંજૂરી માંગવામાં આવશે.
આ બાળકોને ૨૮ દિવસના સમયગાળા બાદ કોવેક્સીનનો બીજાે ડોઝ અપાશે. એકવાર રસીકરણ પૂરું થયા બાદ રસીની કોઈ પણ આડઅસર માટે બાળકોની સંપૂર્ણ રીતે તપાસ કરાશે. પટણા એમ્સે બાળકોને તેમની ઉંમરના આધારે ટ્રાયલ માટે ત્રણ સમૂહમાં વહેંચ્યા છે. આ ત્રણ આયુવર્ગ છે ૨-૫ વર્ષ, ૬-૧૨ વર્ષ, ૧૨-૧૮ વર્ષ.
અત્રે જણાવવાનું કે કોરોનાની ત્રીજી લહેરમાં વિશેષજ્ઞોએ બાળકો પર જાેખમ હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ બાજુ અમેરિકા, કેનેડા સહિત અનેક દેશોએ ૧૬ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીને લીલી ઝંડી આપી દીધી છે. પરંતુ હજુ નાના બાળકો માટે દુનિયાભરમાં રસીની ટ્રાયલ ચાલુ છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ૧૧ મી મેના રોજ ભારત બાયોટેકની કોવેક્સીનને ૨થી ૧૮ વર્ષના બાળકો પર ટ્રાયલ માટે મંજૂરી આપી હતી.