અભિનેતા અનુપમ ખેરે મુંબઈમાં ૪૦ વર્ષ પૂરા કર્યા
મુંબઈ: બોલિવૂડના વેટરન એક્ટર અનુપમ ખેરે મુંબઈમાં ૪૦ વર્ષ પૂરા કર્યા છે એટલે કે મુંબઈમાં આવ્યા તેના ૪૦ વર્ષ થઈ ચૂક્યા છે. મુંબઈમાં પોતાના ૪૦ વર્ષ પૂરા થતા અનુપમ ખેરે તે ઘરને યાદ કર્યું કે જ્યાં તેઓ શરૂઆતના દિવસોમાં રહેતા હતા. બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં જાેઈ શકાય છે કે અનુપમ ખેર તેમના સૌપ્રથમ મુંબઈના ભાડાના ઘરમાં જતા જાેવા મળી રહ્યા છે,
જ્યાં તેઓ અન્ય કેટલાંક લોકો સાથે રહેતા હતા. અનુપમ ખેરે આ વિડીયો શેર કરતા લખ્યું કે, ‘મુંબઈમાં મારા ૪૦ વર્ષ, ભારતીય સિનેમામાં મારું નસીબ અજમાવવા માટે હું તારીખ ૩ જૂન ૧૯૮૧ના દિવસે ‘સપનાના શહેર મુંબઈમાં આવ્યો હતો. આ શહેર મારા પર ખૂબ મહેરબાન રહ્યું. અનુપમ ખેરે આગળ લખ્યું કે ‘ગત અઠવાડિયે હું તે જગ્યાએ ગયો હતો કે જ્યાં હું સૌપ્રથમ વખત રહ્યો હતો. હું ઘણીવખત તે જગ્યાની મુલાકાત લઉં છું. હું મારો નાનકડો રૂમ ૪ લોકો સાથે શેર કરતો હતો.
મારા માટે માત્ર એક વસ્તુની જરૂર હતી અને તે હતી ખૂબ મહેનત. અહીં નોંધનીય છે કે અનુપમ ખેરના મુંબઈમાં ૪૦ વર્ષ જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૩૭ વર્ષ પૂરા થયા છે. વર્ષ ૧૯૮૪માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સારાંશ’થી અનુપમ ખેરે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. અનુપમ ખેરે અત્યાર સુધીમાં બોલિવૂડ અને અલગ-અલગ ભાષાની ફિલ્મો સહિત ૫૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, આ સિવાય તેમણે ઘણાં નાટકો પણ કર્યા છે. તેઓને ૨ નેશનલ અને ૮ ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે.
અનુપમ ખેરને વર્ષ ૨૦૦૪માં પદ્મશ્રી જ્યારે વર્ષ ૨૦૧૬માં પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અનુપમ ખેરની જાણીતી ફિલ્મોમાં ‘સારાંશ’, ‘જનમ’, ‘વિજય’, ‘રામ લખન’, ‘ડેડી’, ‘લમ્હે’, ‘દિલ’, ‘સોદાગર’, ‘ડર’, ‘હમ આપકે હે કોન!’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘ચાહત’, ‘સ્પેશિયલ ૨૬’ વગેરેનો સમાવેશ થાય છે.