Western Times News

Gujarati News

ધોલેરા- ઔરંગાબાદ વચ્ચે સ્માર્ટ સિટીને લઈને સ્પર્ધા

Files Photo

ઓરિક સિટીના સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર સ્માર્ટ ઔદ્યોગિક સિટીમાં ૯૦% કામગીરી પૂરી થઈ ગઈ છે

અમદાવાદ: ગુજરાતના ધોલેરા અને મહારાષ્ટ્રના ઔરંગાબાદ વચ્ચે સ્માર્ટ સિટીની સ્પર્ધા શરૂ થઇ છે પરંતુ પાડોશી રાજ્યનું આ સિટી ખૂબ આગળ નિકળી ગયું છે જ્યારે ગુજરાતનું સિટી નિયત મૂડીરોકાણને હજી પામી શક્યું નથી. ધોલેરામાં હાલ જે ડેવલપમેન્ટ થઇ રહ્યું છે તે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને પ્રાઇવેટ રેસિડેન્સિયલ સ્કીમોમાં છે. આ સિટીમાં માત્ર આઠથી દસ કંપનીઓએ કામ શરૂ કર્યું છે. ગુજરાત સરકારે પાંચ વર્ષ પહેલાં એવી જાહેરાત કરી હતી કે ધોલેરા સિટીમાં ૨૦૨૦ સુધીમાં ૧૦ લાખ લોકોની વસતી હશે પરંતુ આ સિટીમાં વસતી તો ઠીક માળખાકીય સુવિધાનો અભાવ વર્તાઇ રહ્યો છે. એક ખાનગી કંપનીના સીઇઓએ કહ્યું હતું કે ગુજરાતમાં જાે આ ઝડપે સ્માર્ટ સિટી વિકાસ પામતું રહેશે તો ૨૦૩૦ સુધીમાં બે લાખ લોકો પણ આ સિટીમાં વસતા નહીં હોય.

ધોલેરામાં સૌથી મોટી સમસ્યા દરિયાના પાણીના કારણે ખારાશયુક્ત જમીન છે. મહત્વની બાબત એવી છે કે કોઇપણ જાતના વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ કર્યા વિના મહારાષ્ટ્રે મૂડીરોકાણમાં તેનું પ્રથમક્રમનું સ્ટેટસ જાળવી રાખ્યું છે. ઔરંગાબાદ સિટી માટે મહારાષ્ટ્રે ગુજરાતમાં આવીને રોડ શો કરીને રોકાણ મેળવ્યું છે. મહારાષ્ટ્રના આ ઓરિક સિટીમાં ૫૨ કંપનીઓએ કુલ ૪૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે. ઓરિક સિટીના સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર આ સ્માર્ટ ઔદ્યોગિક સિટીમાં ૯૦ ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે. આગામી બે વર્ષમાં ૬૦,૦૦૦ કરોડનું રોકાણ ઓરિક સિટીમાં આવશે. ગુજરાતની ૧૧૫ કંપનીઓએ પણ ઓરિક સિટીમાં રસ દાખવ્યો હતો.

ઓરિક સિટી ગ્રીનફિલ્ડ સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ સિટી છે, જેને દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર-ડીએમઆઇસીના ભાગરૂપે મહારાષ્ટ્રમાં ૧૦,૦૦૦ એકર ક્ષેત્રફળમાં વિકસાવવામાં આવ્યું છે. માર્ગો, સીઇટીપી-એસટીપી, ફાયર, વોટર લાઇન વગેરે સહિત માળખાગત સુવિધા ઊભી થઈ ગઈ છે. છ કંપનીઓમાં પર્કિન્સ, હીઓસંગ, કોટોલ, એરો ટૂલ્સ, કિર્તીથર્મોપેક અને વારદ એલોય કાસ્ટિંગ છે અને હીઓસંગ ૮ મહિનાના રેકોર્ડ સમયમાં ઉત્પાદનમાંથી પસાર થઈ છે.

ઓરિકના રોકાણકારોમાં સાઉથ કોરિયાનું અગ્રણી ઔદ્યોગિક ગૃહ, દુનિયાનું સૌથી મોટું સ્પેન્ડેક્સ ઉત્પાદક જૂથ હીઓસંગ કોર્પોરેશન અને કેટરપિલર ગ્રૂપ કંપની પર્કિન્સ સામેલ છે. અમેરિકા, યુરોપ, રશિયા, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાની કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ ઓરિકમાં રોકાણ કરવા વિચારણા કરી રહી છે. ભારતનું સૌથી મોટું ઓટોમોટિવ કોમ્પોનન્ટ ઉત્પાદક એન્ડ્યુરન્સ અને જાપાનની અગ્રણી પ્રિકાસ્ટ કોન્ક્રિટ ઉત્પાદક કંપની ફુજી સિલ્વરટેક તેમાં સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.