ટોઈંગ કરેલી કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરાઈ

Files Photo
ટોઈંગ કરેલી કારમાં રાજસ્થાનથી શામળાજી દારૂની હેરાફેરી કરતાં પાંચ શખ્સોને પોલીસે ઝડપ્યા હતા
મોડાસા: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં થોડા-થોડા દિવસે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો હોવાનો સમાચાર મળતાં રહે છે. દારૂબંધીનું કડક પાલન કરાવવા માટે પોલીસ સચેત રહે છે. જાે કે, બુટલેગરો પણ દારૂની હેરાફેરી કરવા માટે નવા-નવા કીમિયો અજમાવતા રહે છે. બુટલેગરોના આવા જ એક કીમિયોનો શામળાજી પોલીસે પર્દાફાશ કર્યો છે. બુટલેગરોએ વિદેશી દારૂની હેરાફેરી માટે ક્રેન પાછળ ટોઈંગ કરેલી ડસ્ટર ગાડીમાં ગુપ્ત ખાના બનાવી દારૂની પોટલીઓ સંતાડી દીધી હતી. તેઓ આ માલને રાજસ્થાન પહોંચાડવા માગતા હતા. જાે કે, પોલીસે દારૂની ખેપના આ કીમિયોને નિષ્ફળ બનાવ્યો હતો.
બુટલેગરોએ કારમાં દારૂને જે જગ્યાએ સંતાડ્યો હતો તે જાેઈને પોલીસ પણ માથુ ખંજવાળતી રહી ગઈ હતી. શામળાજી પોલીસે ૫ બુટલેગરોની ધરપકડ કરીને ૨૮ હજારનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. શામળાજી પીએસઆઈ આશિષ પટેલ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતાં વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
રાજસ્થાન તરફથી ગાડીને ટોઈંગ કરીને આવી રહેલી ક્રેન પર શંકા જતાં તેમણે તે અટકાવી હતી. ટોઈંગ કરેલી ગાડીને ચેક કરતાં ગાડીની પાછળની બંને સાઈડ અને ડેશબોર્ડમાંથી ગુપ્તખાના મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતાં અંદરથી પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ ભરેલી ૭૦ કોથળીઓ જપ્ત કરી હતી,
જેની કિંમત ૨૮ હજાર રૂપિયા હતી. ઝડપાયેલા આરોપીઓમાં હરેશ ઝાપડીયા, વિજય મકવાણા, જયસુખ કૂનતીયા, દેવજી સંઘાણી, જીવનસિંહ રાવતનો સમાવેશ થાય છે. પાંચેયની ધરપકડની સાથે પોલીસે કુલ ૫.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે વિદેશી દારૂ આપનારા રાજસ્થાનના અશોક નામના વોન્ટેડ બુટલેગર સામે પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.