શરીરમાં ૯૦ ટકા સંક્રમણ તેમ છતા કોરોનાને પરાસ્ત કર્યો
સુરત: કોરોના મહામારીની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. ફ્રન્ટલાઈન કોરોના યોદ્ધાઓએ કરેલી અવિરત મહેનતથી કોરોના કેસોની સામે દર્દીઓની ડિસ્ચાર્જની સંખ્યા વધી છે. સુરત શહેરના ડીંડોલીમાં રહેતાં ૫૭ વર્ષીય સમરવભાઈ હરિભાઈ પવારે ફેફસાંમાં ૮૦ થી ૯૦ ટકા સંક્રમણ હોવા છતાં ૨૭ દિવસની લાંબી સારવાર બાદ કોરોનાને મ્હાત આપી છે. મૂળ મહારાષ્ટ્રના વતની સમરવભાઈ પરિવાર સાથે ડીંડોલીમાં રહે છે અને જરીખાતામાં કામ કરે છે.
તા.૨જી મે ના રોજ કફની સમસ્યા હોવાથી કોવિડ ટેસ્ટ કરાયો, જે પોઝિટીવ આવ્યો. શ્વાસ લેવામાં ખુબ સમસ્યા હોવાથી તેમને તા.૪થી મે ના રોજ ડીંડોલીની અમૃતમ હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા. ૦૨ દિવસની સારવાર બાદ પણ તેમની તબિયતમાં સુધારો ન આવતા તા.૦૬ મે ના રોજ પરિવાર દ્વારા તેમને સિવિલની સ્ટેમસેલ બિલ્ડીંગની કોવિડ હોસ્પિટલમાં લઈ આવ્યાં. અહીં દાખલ કરાયા ત્યારે તેમને ૮૦ થી ૯૦ ટકા લંગ્સ ઇન્વોલ્વમેન્ટ હતું.
આ સાથે તેમનું ડી-ડાયમર ૫૦૦૦ થી ૬૦૦૦ અને ઓક્સિજન લેવલ ૬૦ ટકા જેટલું હતું. જેથી તેમને બાયપેપ પર રાખવામાં આવ્યા. દરમિયાન તેમને રેમડેસિવીર તેમજ પ્લાઝમા થેરાપી પણ આપવામાં આવી. તબીબોની સારવાર અને સમરવભાઈની મક્કમતાના લીધે તેમની તબિયતમાં ઘણો સુધારો જણાયો. જેથી સિવિલમાં દાખલ કરાયાના ૯માં દિવસે જ તેમને ૧૫ લિટર ઓક્સિજન સાથે એનઆરબીએમ પર રાખવામાં આવ્યા.
સારવારની સાથે તબીબો દ્વારા માનસિક રીતે મજબૂત કરવાં કાઉન્સેલિંગ તેમજ એકસરસાઈઝ, ચેસ્ટ ફિઝીયોથેરાપી તેમજ વોકિંગ કરાવવામાં આવતું. તા.૨૬મી મે ના રોજ સમરવભાઈની તબિયતમાં નોંધપાત્ર સુધારો હોવાથી નોર્મલ રૂમએરમાં રાખવામાં આવ્યા, અને સંપૂર્ણ સ્વસ્થ થઈ જવાથી તા.૨૮મી મે ના રોજ રજા આપવામાં આવી હતી.