ટીએમસીમાં વાપસીની અટકળો વચ્ચે મોદીએ મુકુલ રોયને ફોન કર્યો
નવીદિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને બંગાળના નેતા મુકુલ રોય સાથે વાત કરી હતી. રોયની પત્ની કોલકાતાની હોસ્પિટલમાં દાખલ છે. રોયની પત્ની કૃષ્ણાની અહીં કોરોનાની સારવાર ચાલી રહી છે. એક દિવસ પહેલા જ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યારબાદથી મુકુલ રોયની ટીએમસીમાં પાછા ફરવાની અટકળો ચાલી રહી છે. પીએમ મોદીના ફોન કોલ પછી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શું પીએમ મોદીએ રોયને મનાવવાનો પ્રયાસ કર્યો છે?
રોયના પુત્ર સુભ્રાંગશુએ કહ્યું કે, “પીએમ મોદીએ સવારે સાડા દસ વાગ્યે મારા પિતા સાથે વાત કરી અને મારી માતાની તબિયત વિશે પૂછ્યું.” એક દિવસ પહેલા જ અભિષેક બેનર્જી મુકુલ રોયના પત્નીને મળવા આવ્યા હતા. તેઓ ૧૦ મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. આ દરમિયાન રોયના પુત્ર સુભ્રાંગશુ પણ હાજર હતા. ૨૦૧૭માં મુકુલ રોયના પુત્રએ ટીએમસી છોડી હતી અને ૨૦૧૭ માં ભાજપમાં જાેડાયા હતા, તેણે પણ તેમના પિતાની જેમ બાજુ ફેરવી લીધી હતી.
ભૂતપૂર્વ ટીએમસીના ધારાસભ્ય સુભ્રાંગશુએ તાજેતરમાં જ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, લોકોના સમર્થનથી સત્તા પર આવેલી સરકારની ટીકા કરતા પહેલા આત્મનિરીક્ષણ કરવું જાેઈએ. આ પોસ્ટને રાજ્ય ભાજપ પર નિશાન માનવામાં આવી હતી. જાે કે, પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું હતું કે આ સુભ્રાંગશુનો અંગત મત છે.
તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં મુકુલ રોને નાડિયા જિલ્લાની કૃષ્ણનગર ઉત્તર બેઠક પરથી જીત મળી હતી, જ્યારે તેમના પુત્રને ઉત્તર ૨૪ પરગણા જિલ્લાની બીજપુર બેઠક પરથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. નારદા સ્ટિંગ કેસના આરોપી મુકુલ રોયે સપ્ટેમ્બર ૨૦૧૭ માં ટીએમસીમાંથી રાજીનામું આપ્યું હતું. તાજેતરમાં જ સીબીઆઈએ આ કેસમાં ટીએમસી નેતાઓની ધરપકડ કરી હતી.
મુકુલ રોયને ટીએમસીએ છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. તેમણે ઓક્ટોબર ૨૦૧૭ માં રાજ્યસભામાંથી રાજીનામું પણ આપ્યું હતું. તે જ વર્ષે નવેમ્બરમાં તેઓ ભાજપમાં જાેડાયા. સપ્ટેમ્બર ૨૦૨૦માં તેઓને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. સુભ્રાંગશુ મે ૨૦૧૯માં ભાજપમાં જાેડાયા હતા.