ગૂગલે કન્નડને ભારતની સૌથી ગંદી ભાષા ગણાવવાની માફી માંગી
નવીદિલ્હી: ગૂગલ પર જ્યારે ભારતની સૌથી ભદ્દી ભાષા વિશે સર્ચ કરવામાં આવ્યું તો જવાબમાં કન્નડ ભાષાનું નામ બતાવાયું. એ પછી તો કર્ણાટકમાં ધમસાણ મચી ગયું. સામાન્ય જનતા સહિત રાજનેતા પણ ગૂગલ પર માછલાં ધોવા લાગ્યા અને એને ઝડપથી પોતાની ભૂલ સુધારવા અને માફી માગવા કહેવા લાગ્યા હતા.
વાસ્તવમાં, ગૂગલ પર ભારતમાં સૌથી ખરાબ ભાષાના સવાલનો જવાબ જ્યારે કન્નડ એવો મળ્યો ત્યારે કર્ણાટકમાં ગુરુવારે આક્રોશ મચી ગયો હતો. લોકો સોશિયલ મીડિયા પર એના વિશે ચર્ચા કરવા લાગ્યા હતા. આ વાત એટલી વધી કે રાજ્ય સરકારે ગૂગલને કાયદાકીય નોટિસ ફટકારી દેવાશે એવી ચીમકી પણ આપવી પડી.
સૌથી ખરાબ ભાષા તરીકે કન્નડ ભાષાનું નામ ગૂગલ સર્ચમાં આવ્યા પછી હોબાળો મચી ગયો અને તમામ રાજકીય નેતાઓએ આ મામલે ગૂગલની નિંદા કરી. એ પછી ભારતમાં સૌથી ભદ્દી (ેખ્તઙ્મૈીજં) ભાષા કઈ એમ પૂછતાં પોતાના સર્ચ એન્જિન પર આવનારા જવાબમાંથી કન્નડ ભાષા એવો ઉલ્લેખ હટાવી લેવામાં આવ્યો. કંપનીએ લોકો સમક્ષ આ મામલે ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે સર્ચ રિઝલ્ટ્સમાં તેનું મંતવ્ય સામેલ હોતું નથી.
કર્ણાટકના કન્નડ, સંસ્કૃતિ અને વનમંત્રી અરવિંદ લિંબાવલીએ પત્રકારોને કહ્યું હતું કે ગૂગલને ઉક્ત પ્રશ્નનો આવો જવાબ આપવા અંગે કાયદાકીય નોટિસ મોકલવામાં આવશે. જાેકે એ પછી મંત્રીએ ટિ્વટર પર પોતાની નારાજગી વ્યક્ત કરી અને ગૂગલને કન્નડિગા લોકોની માફી માગવા કહ્યું. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘કન્નડ ભાષાનો પોતાનો ઈતિહાસ છે અને આ ભાષા લગભગ ૨૫૦૦ વર્ષ અગાઉ અસ્તિત્વમાં આવી હતી. મંત્રીએ કહ્યું હતું કે આ ભાષા સદીઓથી કન્ન઼ડિગા લોકો માટે ગૌરવરૂપ રહી છે.’
લિંબાવલીએ ટ્વીટમાં લખ્યું હતું, ‘કન્નડને ખરાબ રીતે દર્શાવવી એ માત્ર કન્નડિગા લોકોના ગૌરવને અપમાનિત કરવાનો ગૂગલનો પ્રયાસ છે. હું ગૂગલને કન્નડ અને કન્નડિગાની તત્કાળ માફી માગવા માટે કહું છું. અમારી સુંદર ભાષાની છબિ ખરડવા માટે ગૂગલ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.’ આખરે આવી રીતે ગૂગલ પ્રવક્તાએ માફી માગી
ભદ્દી ભાષા અંગેના સર્ચ રિઝલ્ટ્સથી હોબાળો મચી ગયા પછી જ્યારે ગૂગલના એક પ્રવક્તાનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, ‘સર્ચ હંમેશાં સંપૂર્ણપણે પરિપૂર્ણ હોતું નથી. અનેકવાર ઈન્ટરનેટ પર ઉલ્લેખિત સામગ્રીના વિશેષ સવાલો માટે આશ્ચર્યજનક પરિણામ હોઈ શકે છે.
અમે જાણીએ છીએ કે આ આદર્શ વાત નથી, પરંતુ જ્યારે અમને કોઈ મામલે જાણ કરવામાં આવે છે તો અમે તાત્કાલિક તેમાં સુધારાત્મક કાર્યવાહી કરીએ છીએ અને પોતાના અલ્ગોરિધમને સુધારવાની કોશિશ માટે સતત કામ કરીએ છીએ. સ્વાભાવિક રીતે એમાં ગૂગલનું પોતાનું કોઈ મંતવ્ય સામેલ હોતું નથી. અમે આ ગેરસમજ માટે અને કોઈની પણ લાગણી દુભાઈ હોય તો એ બદલ ખેદ વ્યક્ત કરીએ છીએ.’
આ દરમિયાન આ વિવાદમાં પૂર્વ મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામીએ પણ ટ્વીટ કરીને નિંદા કરી હતી. તેમણે સવાલ કર્યો કે શું ભાષાના હિસાબે ગૂગલ બિનજવાબદારીપૂર્ણ વર્તન કરે છે?
બેંગલુરુ મધ્યથી ભાજપા સાંસદ પીસી મોહન સહિતના અન્ય નેતાઓએ પણ ગૂગલની ટીકા કરીને તેને માફી માગવા માટે કહ્યું હતું. મોહને ગૂગલ સર્ચનો સ્ક્રીનશોટ પોતાના ટિ્વટર હેન્ડલ પર શેર કરીને કહ્યું કે કર્ણાટકમાં મહાન વિજયનગર સામ્રાજ્ય તથા કન્નડ ભાષાનો સમૃદ્ધ ઈતિહાસ અને અનોખી સંસ્કૃતિ રહેલી છે. દુનિયાની સૌથી પૌરાણિક ભાષાઓમાં સામેલ કન્નડના મહાન વિદ્વાનો પણ રહ્યા છે, જેમણે ૧૪મી સદીમાં જૉફરી ચૉસરના જન્મ અગાઉ મહાકાવ્ય લખ્યા હતા