Western Times News

Gujarati News

મિઝોરમમાં આફ્રિકન સ્વાઈન ફીવરનો પ્રકોપ ફેલાયો

Files Photo

માર્ચથી લઈને અત્યાર સુધી રાજ્યને રોગથી ૨૦ કરોડનું નુકસાન થઈ ચૂક્યું હોવાનો મિઝોરમના મુખ્યમંત્રીનો દાવોે

આઈઝલ: કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે મિઝોરમમાં આફ્રિકન સ્વાઈન ફીવર (એએસએફ)એ ભૂંડોને ઝપેટમાં લઈ લીધા છે. તેના કારણે રાજ્યના જુદા-જુદા જિલ્લામાં ૫ હજારથી વધુ ભૂંડોના મોત થઈ ચૂક્યા છે. મુખ્યમંત્રી જાેરમંથંગાએ સોશિયલ મીડિયા દ્વારા કહ્યું કે, મિઝોરમ પોતાના પશુધન ક્ષેત્રને લઈને ચિંતિત છે. ભૂંડ પાળતા પશુપાલકો પરેશાન છે અને તેમની આર્થિક સ્થિતિ દાવ પર છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન કાર્યાલય અને કેન્દ્રીય ડોનર (પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ) મંત્રી જિતેન્દ્ર સિંહને ટેગ કરતા કહ્યું કે, રાજ્ય પોતાના પશુધન ક્ષેત્રમાં ઝઝૂમી રહ્યું છે.

તેમણે પોસ્ટ કરતા કહ્યું કે, ભૂંડ પાળનારાની આર્થિક સ્થિતિ દાવ પર છે. પશુપાલન અને પશુ ચિકિત્સા વિજ્ઞાન વિભાગના અધિકારીઓએ કહ્યું કે, એએસએફના કારણે માર્ચથી અત્યાર સુધી લગભગ ૫,૦૨૭ ભૂંડ અને ભૂંડના બચ્ચાંઓના મોત થઈ ચૂક્યા છે, જેનાથી ૨૦.૧૦ કરોડ રૂપિયાનું નાણાકીય નુકસાન થયું છે. એએસએફે પહેલી વખત ૨૧ માર્ચે દક્ષિણ મિઝોરમના લુંગલેઈ જિલ્લામાં ૨,૩૪૯ ભૂંડો અને તેમના બચ્ચાંના મોતની માહિતી મળી હતી. બાદમાં આઈઝોલ જિલ્લામાં ૧,૬૫૬ ભૂંડોના મોત થઈ ગયા. બંને જિલ્લાના ઘણા ગામો અને વિસ્તારોને સંક્રમિત ક્ષેત્ર જાહેર કરાયા છે. અધિકારીઓ મુજબ, મિઝોરમના ૧૧ જિલ્લામાંથી હાલમાં ૯ જિલ્લામાં એએસએફના પ્રકોપની માહિતી મળી છે.

તેમણે કહ્યું કે, અત્યાર સુધી ૧૨૦ ભૂંડોની અસમામાન્ય મોતની પણ માહિતી મળી છે, પરંતુ મોતનું કારણ હજુ જાણવા મળ્યું નથી. પૂર્વોત્તર ક્ષેત્રના જુદા-જુદા રાજ્યોમાં લગભગ દર વર્ષે પ્રાણીઓમાં એએસએફ, પગ અને મોં સહિત અન્ય બીમારીઓનો પ્રકોપ હોય છે. પૂર્વોત્તર રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે અને લોકોને ખાસ કરીને ભૂંડ ઉછેરનું કામ કરનારાઓને કહેવાયું છે કે, અન્ય રાજ્યો અને પાડોશી દેશો, ખાસ કરીને મ્યાનમારથી ભૂંડની ખરીદી કરવાથી દૂર રહે. પૂર્વોત્તરનો વાર્ષિક પોર્ક (ભૂંડ) વેપાર લગભગ ૮ હજારથી ૧૦ હજાર કરોડ રૂપિયાનો છે,

જેમાં આસામ સૌથી મોટું આપૂર્તિકર્તા છે. પોર્ક ક્ષેત્રના આધિવાસીઓ અને બિન આદિવાસીઓ દ્વારા ખાવામાં આવતું સામાન્ય અને લોકપ્રિય મિટમાંથી એક છે. તજજ્ઞો મુજબ, ભૂંડ સામાન્ય રીતે એએસએફ ઉપરાંત ક્લાસિકલ ફીવર, પોર્સિન રિપ્રોડક્ટિવ અને રેસ્પિરેટરી સિન્ડ્રોમથી પ્રભાવિત હોય છે, જે અંગે પહેલી વખત ૧૯૨૧માં કેન્યામાં માહિતી મળી હતી. કેટલાક તજજ્ઞો મુજબ, મનુષ્ય એએસએફથી સંક્રમિત નથી થતા, પરંતુ તે વાયરસના વાહક હોઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.