સર ટી હોસ્પિટલમાં પોસ્ટ કોવિડ OPD શરૂ કરાઈ
સમયસર નિદાન અને ઝડપથી સારવાર મળવાથી દર્દીઓને લાંબા ગાળાની તકલીફથી બચાવી શકાશે
ભાવનગર: કોરોના મહામારીની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. ફ્રન્ટલાઇન કોરોના યોદ્ધાઓએ કરેલી અવિરત મહેનતથી કોરોના કેસોની સામે દર્દીઓના ડિસ્ચાર્જની સંખ્યા વધી છે.
ત્યારે ભાવનગરની સર.ટી હોસ્પિટલના ટીમની આગવી સૂઝબૂઝ ફરી એક વખત કોરોના મુક્ત દર્દીઓની સાર સંભાળ કેવી રીતે લઈ શકાય તે માટે આગળ આવી છે. સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ અજગરી ભરડો લીધો છે.
ત્યારે ગુજરાતમાં પણ બીજી લહેરમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો હતો અને હજારોની સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યાં હતાં. અનેક હોસ્પિટલોએ કોરોનાની બીજી લહેરને ટાળવા મોટી કામગીરી કરી. ભાવનગરની સરટી હોસ્પિટલમાં પણ તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી.
હવે વાત એ છે કે, એક વખત કોરોના પોઝિટિવ આવ્યા પછી દર્દીએ પ્રાઇવેટ કે સરકારી દવાખાનામાં દાખલ થઇ કે હોમ આઇસોલેટ થઈને સારવાર લીધી હોય તેવાં તમામ દર્દીઓમાં કોવિડ પછી પણ તકલીફો ઉભી થતી હોય છે જે નીચે મુજબ હોઇ શકે છે.
આ તમામ દર્દીઓના સમય સર ફોલોઅપ કરી તપાસ અને નિદાન કરવામાં આવે તો તાત્કાલિક નિદાન થઇ શકે અને તેને અનુરૂપ સારવાર તાત્કાલિક શરૂ કરી શકાય. અગાઉથી નિદાન અને ઝડપથી સારવાર દ્વારા દર્દીઓને લાંબા ગાળાની તકલીફથી બચાવી શકાય.
આ માટે કોરોનામાં સારવાર લઈને સાજા થયેલા દર્દીઓને સમયસર જાણકારી મળે અને યોગ્ય તપાસ થાય તેવા આશય સાથે સર ટી. હોસ્પિટલ ખાતે આગામી સોમવારથી પોસ્ટ કોવિડની ઓપીડી શરૂ કરવામાં આવી રહી છે. જેમાં કોરોના મુક્ત દર્દીઓને તપાસી તેને યોગ્ય સારવાર અને સલાહ આપવામાં આવશે.
જેથી ભૂતકાળમાં જે દર્દીઓને કોરોના હતો તેવા દર્દીઓએ આ ઓપીડીનો લાભ લેવો જેથી ભવિષ્યમાં થતાં મ્યુકોરમાયકોસિસ, ફુગ, લોહી ગંઠાઈ જવું, શરીરમાં રહેલી નબળાઈ, ટીબી જેવી બીમારીથી બચી શકાય.
આ માટે જરા પણ ડર રાખ્યા વિના ઓપીડીનો લાભ લેવા હોસ્પિટલ ટીમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઓપીડીમાં તજજ્ઞ ફિઝિશયન, ઇએનટી સર્જન, આંખનાં સર્જન તેમજ જરૂર જણાય બીજા નિષ્ણાંત તજજ્ઞ દ્વારા સેવા આપવામાં આવશે.