“પ્રાણ બચાવનારે” “પ્રાણવાયુ” (ઓક્સીજન) માટે વૃક્ષારોપણ કર્યુ
સિવિલ હોસ્પિટલમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી-“પર્યાવરણનું પુન: સ્થાપન” થીમ આધારીત વૃક્ષારોપણ હાથ ધરાયુ
કોરોના મહામારીની વચ્ચે કોરોના વોરીયર્સમાં ઉત્સાહ જોવા મળ્યો-અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારીની વચ્ચે આજે “વિશ્વ પર્યાવરણ દિન”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
“પ્રાણ બચાવનારા” તબીબો આજે નાગરિકોને-દર્દીઓને મહત્તમ પ્રાણવાયુ (ઓક્સિજન) મળે તે ઉમદા હેતુથી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.
સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી, હોસ્પિટલના વિવિધ વિભાગના વડા, નર્સિંગ સ્ટાફ, સેનેટરી ઇન્સપેક્ટર સહિતના તમામ હેલ્થકેર વર્કરોએ આજે વૃક્ષો વાવીને પ્રકૃતિના જતનનો પોઝીટીવ મેસેજ આપ્યો હતો.
વર્ષ ૨૦૨૧ ની વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી “પર્યાવરણનું પુન: સ્થાપન” થીમ આધારીત થઇ રહી છે ત્યારે કુદરતી કે માનવસર્જિત રીતે પ્રકૃતિને પહોંચેલ નુકસાનની ભરપાઇ કરવાના આશયથી આજે વૃક્ષો વાવીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.
સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી એ આ ઉજવણી સંદર્ભે કહ્યું કે, કોરોનાકાળમાં સતત દિવસ રાત દર્દીઓની સેવા-સારવારમાં લાગેલા તબીબોએ આજે વૃક્ષારોપણમાં જોડાઇને હળવાશ અનુભવ્યો હતો. આ વૃક્ષારોપણ દ્વારા વાતાવરણમાં ઓક્સિજન સ્તરનો વધારો થાય તે આશા સાથે અમારા તમામ હેલ્થકેર વર્કરોએ આજે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું હતુ. ચોમાસાની ઋતુ દરમિયાન અમારા સિવિલ મેડીસીટી કેમ્પસમાં ૧૫૦૦ વૃક્ષો રોપવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
ત્યારબાદ દાતાશ્રીઓના સહયોગથી વૃક્ષોને દત્તક લઇ બે વર્ષ માટે ઉછેર કરવાની જવાબદારી કેચ ફાઉન્ડેશન દ્વારા સ્વીકારવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ. સિવિલ મેડિસીટી કેમ્પસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી વૃક્ષારોપણ કરવામા આવ્યું છે.