Western Times News

Gujarati News

૨૫૦૦ મેગાવોટ ક્ષમતાના પીપીએ કરાયાઃ ઊર્જામંત્રી

રાજકોટ, ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રને પ્રોત્સાહન આપી અને ગ્રીન એનર્જી હબ બને એ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ નવતર આયામો હાથ ધરીને પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવી રહ્યાં છે.

રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડની ચારેય વીજ વિતરણ કંપનીઓ દ્વારા સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યૂટેડ સોલર પ્રોજેક્ટ્‌સની એક અનોખી યોજના હેઠળ ૨૫૦૦ મેગાવોટ સૌર ઊર્જા માટે પીપીએ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

આ પ્રોજેક્ટ્‌સ વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં પૂરા કરવામાં આવશે અને જળવાયુ પરિવર્તનના વૈશ્વિક એજન્ડામાં ભાગ લેવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત કરેલ ૧૭૫ ગીગાવોટ રિન્યુઅબલ ઊર્જાના લક્ષ્યને વર્ષ ૨૦૨૨ સુધી અને ૪૫૦ ગીગાવોટ રિન્યુઅબલ ઊર્જાના લક્ષ્યને વર્ષ ૨૦૩૦ સુધી હાંસલ કરવાના દેશના મિશનને વેગ આપીને ગુજરાત દેશભરમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરશે.

ઊર્જા મંત્રી સૌરભ પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે કે જેણે આવા સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યૂટેડ સોલર પ્રોજેક્ટ્‌સની મારફતે આટલી મોટી ક્ષમતા માટે વીજ ખરીદીના કરાર કર્યા હોય. આ સોલર ક્ષમતાઓનો વિકાસથી માત્ર બિન ઉપજાઉ જમીનના અનેક નાના વિસ્તારોમાં સોલર પ્રોજેક્ટ્‌સના ઝડપી વિકાસને સરળ બનાવશે

એટલું જ નહીં પરંતુ નાના રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકોની તેમાં ભાગીદારીને પણ પ્રોત્સાહન આપશે. તેમણે ઉમેર્યું કે, આ તમામ સોલર પ્રોજેક્ટ્‌સ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં આવવાના હોવાથી રિન્યૂઅબલ એનર્જીની ક્ષમતા ઉમેરાતા રાષ્ટ્રીય લક્ષ્યાંકમાં નોંધપાત્ર યોગદાન આપવાની સાથે સાથે રાજ્યના વર્તમાન મજબૂત વીજ ટ્રાન્સમિશન અને વિતરણ નેટવર્કનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની તક મળી રહેશે.

આ સોલર પ્રોજેક્ટ્‌સ થકી રાજ્યમાં રૂ. ૧૦ હજાર કરોડથી પણ વધુ રકમનું ગ્રીન ઊર્જા અને તેના એલાઇડ સેક્ટર ક્ષેત્રે મૂડી રોકાણ આવશે. ઊર્જામંત્રીએ ઉમેર્યું કે, અગાઉ રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૯માં સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યૂટેડ સોલર પ્રોજેક્ટ્‌સના વિકાસ માટેની નીતિ જાહેર કરી હતી જેનો ઉદ્દેશ રાજ્યના વીજ વિતરણ નેટવર્કમાં ૦.૫ મેગાવોટથી ૪ મેગાવોટની ક્ષમતાના નાના સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યૂટેડ સોલર પ્રોજેક્ટ્‌સના વિકાસને ઝડપી અને સરળ બનાવવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.