Western Times News

Gujarati News

રાજ્યભરમાં ૧૮-૪૪ની વયના ૨૩ લાખ લોકોને વેક્સિન અપાઈ

પ્રતિકાત્મક

ગાંધીનગર, ૧૮થી૪૪ વર્ષની વયના વય જૂથના યુવાનોના વૅક્સિનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ૨૩,૬૩,૨૫૪ યુવાનોએ કૉવિડ વૅક્સિન લઈ લીધી છે. આજે એક જ દિવસમાં ૨,૬૩,૫૦૭ યુવાનોએ વૅક્સિન લીધી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાને નિયંત્રણમાં લાવવા વધુમાં વધુ યુવાનો ઝડપથી વેક્સિન લે એવી વ્યવસ્થા કરવા તંત્રને આદેશો આપ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, યુવાનોને વિનામૂલ્યે વેક્સિન આપવા પૂરતું નાણાંકીય આયોજન કરવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં યુવાનોના વિનામૂલ્યે વેક્સિનેશન માટે રાજ્ય સરકારે રૂપિયા ૯૩.૧૫ કરોડનો ખર્ચ કર્યો છે, અને આવનારા દિવસોમાં ગુજરાતને જરૂરી માત્રામાં વૅક્સિન ઉપલબ્ધ થાય એ રીતે સમયબદ્ધ આયોજન કરીને વેક્સિન ઉત્પાદકોને વૅક્સિનના ૩ કરોડ ડૉઝનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.

સમગ્ર દેશમાં ગુજરાત વેક્સિનેશન માટે આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યું છે. તા.૧લી મેથી જ ૧૮ થી ૪૪ વર્ષની વય જૂથમાં વેક્સિનેશનનો આરંભ કરનાર ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨૩ લાખથી વધુ યુવાનોનું વેક્સિનેશન કરાયું છે. રસીકરણમાં વેગ આવે એ હેતુથી તા. ૪થી જૂનથી તમામ જિલ્લાઓમાં યુવાનોના વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે.

તા. ૪થી જૂને રાજ્યમાં ૧,૯૨,૬૯૨ યુવાનોએ વૅક્સિન લીધી, તે પૈકી મહાનગરપાલિકા વિસ્તારોમાં ૮૧,૪૫૯ યુવાનોએ વેક્સિન લીધી. જ્યારે જિલ્લાઓમાં ૧,૧૧,૨૩૩ યુવાનોએ વેક્સિન લીધી છે. જ્યારે તા. ૫મી જૂને, એક દિવસમાં ગુજરાતમાં ૨,૬૩,૫૦૭ યુવાનોએ વેક્સિન લીધી છે. તે પૈકી મહાનગરપાલિકા વિસ્તારોમાં ૭૯,૮૯૬ યુવાનોએ વેક્સિન લીધી, જ્યારે જિલ્લાઓમાં ૧,૯૮,૧૨૩ યુવાનોએ વેક્સિન લીધી છે.

રાજ્યમાં કોરોના વાયરસથી સાજા થયેલા દર્દીઓનો દર અત્યારસુધીમાં ૯૬.૩૨%એ પહોંચ્યો છે જ્યારે અત્યારસુધીમાં પ્રથમ અને બીજાે ડોઝ મળીને કુલ ૧,૮૧,૭૮,૩૧૯ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.