સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાનો પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ : ગુજરાત, દિલ્હી અને હરિયાણાને શિક્ષણમાં છ ગ્રેડ અપાયા
નવીદિલ્હી: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાનો પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ (પીજીઆઈ) જારી કર્યો હતો. ૨૦૧૯-૨૦ના આ ઈન્ડેક્સમાં પંજાબ, ચંદીગઢ, તમિલનાડુ, આંદામાન-નિકોબાર અને કેરળને ઉચ્ચતમ છ અપાયો છે, જ્યારે ગુજરાત, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પુડુચેરી અને દાદરા નગર હવેલીને છ ગ્રેડ અપાયો છે.
પીજીઆઈ અંતર્ગત રાજ્યોમાં શિક્ષણ વ્યવસ્થા ૭૦ માપદંડ પર મપાય છે. આ વખતે જારી પીજીઆઈ રિપોર્ટ પ્રમાણે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્કોરમાં સુધારો થયો છે. પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આંદામાન નિકોબાર, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં ઓછોમાં ઓછો ૨૦%નો સુધારો થયો છે.
એવી જ રીતે, ૧૩ રાજ્યના પાયાના શૈક્ષણિક માળખા અને સુવિધાઓમાં ૧૦% સુધારો જાેવા મળ્યો છે. બીજી તરફ, ૧૯ રાજ્યમાં ૧૦%નો સુધારો થયો છે. પંજાબે શાસન-સંચાલનમાં સૌથી વધુ સ્કોર હાંસલ કર્યો છે, જ્યારે બિહાર અને મેઘાલય પાયાના માળખા અને સુવિધાઓમાં સૌથી પાછળ છે. પીજીઆઈ રિપોર્ટ છેલ્લા ત્રણ વર્ષથી તૈયાર કરીને જાહેર કરાય છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે નવા પીજીઆઈ રિપોર્ટ મુદ્દે સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, પીજીઆઈનો મુખ્ય હેતુ રાજ્યોને એ ક્ષેત્રોની માહિતી આપવાનો છે, જેમાં સુધારાની જરૂર હોય. અમારું લક્ષ્ય તમામ રાજ્યોને ઉચ્ચ સ્તરે લાવવાનું છે.