તમારા સિમકાર્ડમાંથી ડિજિટલ ફ્રોડ તો નથી થતું ને ?
તમારી જાણ બહાર તમારા નામે ચાલતા સીમકાર્ડ આ રીતે બંધ કરો
ગુનાખોરીની પૅટર્ન આજના જમાનામાં બદલાઈ છે. તમામ ટ્રાન્જેક્શન ડિજિટલ થતા ગુનેગારો પણ ડિજિટલ બની ગયા છે. જેમાં જાણ્યે-અજાણ્યે આપણે -સામાન્ય નાગરિકો જ તેમને મદદ કરી રહ્યા છીએ. જેના સૌથી મોટા બે કારણો છે. પહેલું એ કે આપણા દસ્તાવેજાે ક્યાં વપરાઈ રહ્યા છે એ આપણને ખબર જ નથી હોતી. બીજું એ કે આપણા નામે કોઈ મોબાઈલ નંબર એક્ટિવેટ છે કે નહિ તે જાણવાની આપણે તસ્દી લેતા નથી અથવા તો કેવી રીતે જાણવું એ આપણને ખબર જ હોતી નથી.
બેન્ક એકાઉન્ટ કે ક્રેડિટ કાર્ડમાંથી બારોબાર રૂપિયા ઉપડી જવાની ઘટનાઓ વારંવાર સામે આવે છે. જેમાં મોટેભાગે બેંકો દ્વારા વારંવાર ના પાડવા છતાં ભોગ બનનાર પોતે બેદરકારી દાખવી ઓટીપી તથા અન્ય સંવેદનશીલ માહિતી આપે છે. એવા કિસ્સામાં સાયબર ક્રાઇમ પોલીસ જ છેવટે તેમને ન્યાય અપાવી શકે છે. પરંતુ આપણે ગુનો બનતા જ અટકે એવું કઈ કરીએ તો!
ડિજિટલ ગુનાના ૮૦-૯૦ ટકા ગુનામાં મોબાઈલ ફોનનો ઉપયોગ થાય છે. અને ૯૫ ટકા કિસ્સામાં મોબાઈલ નમ્બર ફેક દસ્તાવેજાે દ્વારા ખરીદેલા હોય છે. ફેક દસ્તાવેજ એટલે કોઈ એક સિમ કાર્ડમાટે આપવામાં આવેલા દસ્તાવેજનો અન્ય સિમ ખરીદવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એ પણ માલિકની જાણ બહાર.આવું કોઈ પણ વ્યક્તિ સાથે થઇ શકે છે. જેથી જાગૃત રહેવું જરૂરી છે.
અગાઉ ફક્ત દસ્તાવેજાે આપવાથી સીમકાર્ડ મળી જતા હતા. પરંતુ ફિંગર પ્રિન્ટ જરૂરી બની છે. સામાન્ય રીતે છત્રી લગાવીને સેલ કરવા બેસતાં લોકો આવું વધારે કરતા હોય છે. તેમને આવા કાર્ડની સારી એવી રકમ પણ મળતી હોય છે. જેથી કાર્ડ ખરીદતી વખતે જયારે થમ્બ પ્રિન્ટ વારંવાર આપવાની આવે તો ચેતો.
પરંતુ જાે આપણને જાણકારી જ નથી કે આપણા નામે કોઈ સિમ ચાલી રહ્યા છે કે કેમ તો એ જાણવા માટે ભારત સરકારે TAFCOP (ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન) નામની વેબસાઈટ બનાવેલી છે.
https://tafcop.dgtelecom.gov.in/ આ એડ્રેસ ખોલીને તમારો મોબાઈલ નંબર નાખતા એક ઓટીપી જનરેટ થશે. જે એન્ટર કરતા જ તમારા દસ્તાવેજ ઉપર એક્ટિવેટ મોબાઈલ નંબરનું લિસ્ટ દેખાશે. આ લિસ્ટમાં જાે અજાણ્યો નંબર દેખાય તો તેને સિલેક્ટ કરીને બંધ કરી શકાય છે. એક જ ક્લિકમાં તે નંબર બંધ થઇ જશે.
જાે દરેક નાગરિક ફક્ત પોતાની સેફ્ટી માટે પણ આ વેબનો ઉપયોગ કરી વધારાના નંબર બંધ કરી દે તો ગુના લગભગ ૫૦ ટકાથી વધુ ઓછા થઇ જશે અને અનેક ગુના બનતા અટકી જશે. મતલબ, સાયબર ગુના અટકાવવા માટે ફક્ત બે જ વસ્તુ કરવાની છે. નવું સીમકાર્ડ ખરીદતી વખતે થમ્બ પ્રિન્ટ વારંવાર આપવાની આવે ત્યારે ચેતો અને વેબસાઈટ પર તમારા નામે કોઈ નમ્બર ચાલુ હોય તો બંધ કરાવી દો .
– સારથી એમ. સાગર