રિવાબાએ દિકરીના બર્થડે પર ૫ દિકરીને ૧૦ હજાર આપ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/riva-ba-1024x697.jpg)
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની પત્ની રિવાબાએ બચત ખાતાઓ ખોલી ૧૦ હજાર રૂપિયાની પાંચ દિકરીઓને સહાય કરી
જામનગર: ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પુત્રી નિધ્યાનાબાના જન્મદિવસે રિવાબા જાડેજા દ્વારા ૫ પરિવારોના દિકરીઓને પોસ્ટ ઓફિસમાં બચત ખાતા ખોલાવી ૧૦ હજારની સહાય કરી અનોખી ઉજવણી કરાઈ છે. ક્રિકેટના કાશી ગણાતા જામનગરમાં રહેતા અને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા તેમજ તેમના પત્ની રીવાબા જાડેજા ના પુત્રી નિધ્યાનાબાના જન્મદિવસે જરૂરીયાતમંદ લોકોની ૫ દીકરીઓને રીવાબા જાડેજા તરફથી પોસ્ટ વિભાગમાં બચત ખાતું ખોલાવી પગભર કરવા માટે ૧૦,૦૦૦ ની પાંચ દિકરીઓ ને સહાય કરવામાં આવી છે.
જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ઇન્ચાર્જ સુપરિટેનડેન્ટ અભિજીતસિંગ અને પોસ્ટ માસ્તર મહાવીર લાડવા દ્વારા પોસ્ટ વિભાગના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ મનદીપસિંહ જાડેજાએ ખાસ જરૂરીયાતમંદ લોકોને પસંદ કરીને પાસબુક આપવામાં આવી હતી. છોટીકાશી ગણાતા જામનગરમાં અનેક સેવાકાર્યો કરતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ પોતાની લાડકી દીકરી નિધ્યાનાબાના જન્મદિવસે જામનગરમાં નહિ હોવા છતાં યુકે લંડન ખાતે છે.
ત્યાંથી પણ ગરીબ પરિવારોને વીડિયો કોલના માધ્યમથી રૂબરૂ થઈને પોસ્ટ ઓફિસના અધિકારી દ્વારા જ સહાય રૂપે બચત ખાતાઓ ખોલી ૧૦,૦૦૦ રૂપિયાની પાંચ દિકરીઓ ને સહાય કરવામાં આવી હતી. નાની નાની દીકરીઓને બચત ખાતાઓ ખોલાવી ૧૦ હજારની સહાય કરી ૫ દીકરીઓના ઉત્થાન માટે તેમના વાલીઓને પણ ભલામણ કરી સમાજમાં સ્ત્રી સશક્તિકરણ માટે સહાયરૂપ બની રાજીપો વ્યક્ત કર્યો હતો. રીવાબા જાડેજા એ પોતાની પુત્રી નિધ્યાનાબા ૪ વર્ષ પૂરા કરી પાંચમાં વર્ષમાં પ્રવેશી રહી છે ત્યારે જ પાંચ પરિવાર ની નાની દીકરીઓને મદદ માટે આગળ આવી વિદેશ હોવા છતા પણ સેવાનો ભાવ વ્યક્ત કરી સમાજમાં અનેરૂ ઉદાહરણ પૂરું પાડ્યું છે.