ચોક્સીએ ગર્લફ્રેન્ડને પણ નકલી હીરાની વિંટી પધરાવી હતી

રોસેઉ: પંજાબ નેશનલ બેંકને લગભગ ૧૩,૫૦૦ કરોડનો ચૂનો લગાવી એન્ટિગુઆ ભાગી ગયેલા હીરા વેપારી મેહુલ ચોક્સીએ પોતાની કથિત ગર્લફ્રેન્ડ બારબરા જાબરિકાને પણ પ્રેમનું નાટક કરી દગો આપ્યો હતો. એટલું જ નહીં, મેહુલે પોતાના ગ્રાહકોની જેમ બારબરાને પણ નકલી હીરાની વીંટી અને નેકલેસ આપ્યા હતા. મેહુલે બારબરાને પોતાનું નામ ‘રાજ’ જણાવ્યું હતું.
ઈન્ડિયા ટૂડેએ બારબરાને ટાંકીને કહ્યું છે કે, મેહુલ ચોક્સીના વકીલોએ તેનું નામ ખોટી રીતે આ સમગ્ર કેસમાં ઢસડ્યું છે. બારબરાએ કહ્યું કે, મેહુલે પહેલા તેની સાથે મિત્રતા કરી અને બાદમાં ફ્લર્ટ કરવા લાગ્યો. બારબરાએ કહ્યું કે, મેહુલ ચોક્સીના કથિત અપહરણ સાથે તેને કોઈ સંબંધ નથી. તેણે કહ્યું કે, મેહલુ ચોક્સીએ ગત વર્ષે તેની સાથે દોસ્તી કરવાનું શરૂ કર્યું હતું. તે પછી બંનેની દોસ્તી આગળ વધી.
બારબરા જબારિકાએ જણાવ્યું કે, હું ચોક્સીની એક દોસ્ત હતી. ચોક્સીએ પોતાનો પરિચય રાજ નામથી આપ્યો હતો. ગત વર્ષે મારી મુસાફરી દરમિયાન મેહુલે મારી સાથે દોસ્તી કહી. તે વધુ ફ્રેન્ક થઈ ગયો અને બાદમાં ફ્લર્ટ કરવાનું શરૂ કરી દીધું. મેહુલે મને ડાયમંડ રિંગ અને બ્રેસલેટ ગિફ્ટમાં આપ્યા હતા, જે નકલી નીકળ્યા.
બારબરાએ જણાવ્યું કે, ચોક્સીએ પોતાના ફ્લેટમાં કિસ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. હું અને મારો આખો પરિવાર આ મામલાને લઈને તણાવમાં છીએ.’ આ પહેલા મેહુલ ચોક્સીએ ભારત આવવાથી બચવા માટે નવો દાવ ખેલ્યો હતો. તેણે એન્ટિગુઆ પોલીસને લખેલા પત્રમાં ફરિયાદ કરી હતી કે, તેને માર મારીને જબરજસ્તીથઈ ડોમિનિકા લવાયો છે. તેણે પોતાના અપહરણમાં મહિલા મિત્ર બારબરા જાબેરિકાનો હાથ હોવાનું જણાવ્યું હતુ.