રેકોર્ડ લેવલ પર પહોંચ્યા પેટ્રોલ-ડીઝલ, મુંબઈમાં પેટ્રોલ ૧૦૨ રૂપિયાની નજીક

નવીદિલ્હી: સતત મોંઘા થઈ રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલમાં તમામ શહેરોમાં રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા છે. જ્યાં એક તરફ મુંબઈમાં પેટ્રોલ ૧૦૨ રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયું છે, તો બીજી તરફ અનેક શહેરોમાં આ આંકડો પણ પાર કરી ગયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ એક દિવસ બાદ આજે ફરીથી ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલના ભાવમાં ૨૫ પૈસા પ્રતિ લીટર તો ડીઝલના ભાવ માં પણ ૨૫ પૈસા પ્રતિ લીટરનો ભાવવધારો ઝીંકાયો છે.સોમવારે પેટ્રોલના ભાવ ૨૪-૨૮ પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ ૨૬-૨૮ પૈસા પ્રતિ લીટર વધી ગયો હતો. મે મહિનાથી ઇંધણની કિંમતો સમયાંતરે વધી રહી છે. છેલ્લા ૨૧ દિવસમાં જ પેટ્રોલ ૪.૯૯ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ચૂક્યું છે. બીજી તરફ, ડીઝલના ભાવ ૫.૪૪ રૂપિયા પ્રતિ લીટર વધી ગયા છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાેઇએ તો દિલ્હી- પેટ્રોલ ૯૫.૫૬ રૂપિયા અને ડીઝલ ૮૬.૪૭ રૂપિયા પ્રતિ લીટર છે.,મુંબઈ- પેટ્રોલ ૧૦૧.૭૬ રૂપિયા અને ડીઝલ ૯૩.૮૫ રૂપિયા પ્રતિ લીટર છે.,ચેન્નઈ- પેટ્રોલ ૯૬.૯૪ રૂપિયા અને ડીઝલ ૯૧.૧૫ રૂપિયા પ્રતિ લીટર છે.કોલકાતા- પેટ્રોલ ૯૫.૫૨ રૂપિયા અને ડીઝલ ૮૯.૩૨ રૂપિયા પ્રતિ લીટર છે.
ભલે આ માત્ર જૂનનો નવમો દિવસ છે, પરંતુ અત્યાર સુધી પાંચ દિવસમાં છૂટક ફ્યૂલનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જૂનમાં પેટ્રોલ ૧.૩૩ રૂપિયા મોંઘુ થઈ ગયું છે. જ્યારે ડીઝલ ૧.૩૨ રૂપિયા મોંઘુ થયું છે. આ વર્ષે ૪ મે પછી પેટ્રોલ અને ડીઝલ ૨૨ મી વખત મોંઘુ થઈ ગયું છે.
આપને જણાવી દઇએ કે, પેટ્રોલ હવે દેશનાં અલગ-અલગ ભાગોમાં ઐતિહાસિક ઉંચાઈએ પહોંચી ગયું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને લદ્દાખ સહિત છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.૧૦૦ ને પાર કરી ગયું છે. વળી, આપને એ પણ જણાવી દઈએ કે રાજસ્થાન દેશમાં પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધુ વેટ વસૂલ કરતુ રાજ્ય છે. તે પછી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો નંબર આવે છે.દેશમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં બદલાય છે. દેશનાં દરેક પેટ્રોલ પમ્પ પર દરરોજ સવારે ૬ વાગ્યાથી આ નવા ભાવ લાગુ પડે છે. દરેક રાજ્યનું સ્થાનિક વેટ અલગ-અલગ હોવાથી, બળતણનાં ભાવો રાજ્યમાં અલગ અલગ હોઈ શકે છે.