બોમન ઈરાનીની માતાનું ૯૪ વર્ષની ઉંમરે નિધન
મુંબઈ: બોલીવુડ અભિનેતા બોમન ઈરાનીની માતાનું નિધન થયું છે. ૯૪ વર્ષીય જેરબનાનો ઈરાનીએ બુધવારે સવારે તેમના નિવાસસ્થાને અંતિ શ્વાસ લીધા હતા. બોમન ઈરાનીએ પોતાના સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપતા પોતાની માતા માટે ભાવુક પોસ્ટ કરી હતી. બોમન ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પર માતાની તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, મા ઈરાનીએ ઊંઘમાં જ આ દુનિયાને શાંતિથી અલવિદા કહી દીધું. તેઓ ૯૪ વર્ષના હતા.
તેમણે ૩૨ વર્ષની ઉંમરથી જ મારા માટે માતા અને પિતા બંનેની ભૂમિકા ભજવી હતી. તેઓ ઘણા મોજીલા હતા અને ઘણી બધી રસપ્રદ વાતોથી ભરેલા હતા જે ફક્ત તે જ કહી શકતા હતા. બોમને લખ્યું હતું કે, જ્યારે પણ તેઓ મને ફિલ્મો જાેવા મોકલતી હતી ત્યારે હંમેશા તે વાતનું ધ્યાન રાખતી હતી કે કમ્પાઉન્ડ કિડ્સ મારી સાથે હોય.
તેઓ હંમેશા કહેતી હતી કે પોપકોર્ન ખાવાનું ના ભૂલતો. તેમને પોતાનું ભોજન અને ગીતો પસંદ હતા. આ સાથે જ તેઓ વિકીપિડિયા અને આઈએમડીબી પર તાત્કાલિક ફેક્ટ ચેક કરતી હતી. તે હંમેશા કહેતી હતી કે તું એક અભિનેતા એટલા માટે નથી કે લોકો તારી પ્રશંસા કરે છે. તું એક અભિનેતા છે જેથી તું હંમેશા લોકોને ખુશી આપી શકે. અંતિમ રાતે તેમણે મલાઈ કુલ્ફી અને કેરી માંગી હતી. તે ઈચ્છે તો ચંદ્ર અને તારા પણ માંગી શકતી હતી. તે એક સ્ટાર હતી અને હંમેશા રહેશે.