જળશક્તિ અભિયાન અંતર્ગત : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે કૃષિ શિબિર તથા કૃષિ મેળો યોજાયો
ધંધાની જેમ ખેતીમાં પણ સાહસવૃત્તિ જરૂરી, ખેડૂતોએ આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવવાનું સાહસ ખેડી કૃષિવિકાસના નવા આયામો સર કરવાના છે -જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ
(માહિતી બ્યુરો) પાટણ, પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હાલ ખાતે જળશક્તિ અભિયાન અંતર્ગત કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખની ઉપસ્થિતીમાં યોજાયેલી કૃષિ શિબિરમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ખેતીમાં પાણીના બચાવ અને જળસંચય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે કેમ્પસમાં યોજાયેલા કૃષિ મેળામાં વિવિધ વિભાગો તથા કંપનીઓ દ્વારા કૃષિલક્ષી સામગ્રી તથા યોજનાઓના ૨૫ જેટલા સ્ટોલનું નિદર્શન યોજાયું હતું. ખેડૂતોની સાથે સાથે મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ વિસ્તૃત માહિતી મેળવી હતી.
કન્વેન્શન હાલ ખાતે યોજાયેલી કૃષિ શિબિરમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, સરકારે જળસંચય સંદર્ભે ચિંતા કરી છે. પાણી બચાવવા અને તેના સંગ્રહ માટે સરકારના વિવિધ વિભાગો દ્વારા દરેક સ્તરે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવે છે. પણ તે માર્ગદર્શન થકી તેનો અમલ ખેડૂતોએ કરવાનો છે. પ્રમુખએ સફળ ખેતી દ્વારા આવકમાં વૃદ્ધિ થાય તે માટે વૈજ્ઞાનિક ખેત પદ્ધતિ અપનાવવા ખેડૂતોને અપીલ કરી હતી.
કૃષિ શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરીને બિરદાવતાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખે જણાવ્યું કે, આપણો જિલ્લો ખેતી પર નિર્ભર છે ત્યારે મોટી સંખ્યામાં હાજર ખેડૂતોને કૃષિમેળામાં મળતું માર્ગદર્શન ખરેખર ઉપયોગી નિવડશે. ખેતીના વિકાસ દ્વારા તેમાં રોજગારીની પુષ્કળ તકો છે. આધુનિક ખેતી થકી નફામાં વૃદ્ધિ કરી કૃષિક્ષેત્રને વેગવંતુ બનાવવું જોઈએ. વધુમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, ખેતી પણ એક વ્યવસાય છે ત્યારે ધંધાની જેમ તેમાં પણ સાહસવૃત્તિ જરૂરી છે. ખેડૂતોએ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવાનું સાહસ ખેડી કૃષિવિકાસના નવા આયામો સર કરવાના છે.
જળ એ ખેતીનો આત્મા છે, સૂક્ષ્મ પિયત જેવી આધુનિક પદ્ધતિ દ્વારા જળસંચય થકી જ ખેતીને જીવિત રાખી શકાશે.
વાટરશેડના અધિકારી જિતુભાઈ મકવાણાએ પ્રેઝન્ટેશન દ્વારા જળશક્તિ અભિયાનની જરૂરિયાત અને જળસંગ્રહ તથા જળસંચયની વિવિધ પદ્ધતિઓ વિષે માર્ગદર્શન આપ્યું હતું. નાયબ વન સંરક્ષક જે.જે.રાજપૂત દ્વારા ખેતરના શેઢા-પાળા પર વૃક્ષો વાવવા ખેડૂતોને અનુરોધ કરતાં જણાવ્યું હતુ કે, ખેતીની સાથે સાથે બાગાયતી વૃક્ષ ઉછેર દ્વારા ખેતીમાં લાભ સાથે વધારાની આવક ઉભી કરી શકાશે. જમીનની ગુણવત્તા સુધારવા અને જળસંચયમાં પણ વૃક્ષો ઉપયોગી નિવડશે.
કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા ૧૦૧ ખેડૂતોની સાફલ્ય ગાથા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે સાથે જિલ્લાના વિવિધ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોના સફળ ખેતી પ્રયોગોની સાફલ્ય ગાથાઓનું વિડિયો પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રગતિશિલ ખેડૂતોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રી માન ધન વિમા યોજનાવિશે માર્ગદર્શન અને તેનું ખેડુતો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું.
આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કૃષિ મેળામાં કેન્દ્ર સરકારના મદદનીશ સચિવશ્રી મનિષકુમાર ગોલવાણી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતીના ચેરમેન દશરથજી રાજપૂત, જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ,કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમોડાના ડાયરેક્ટર ઉપેશ કુમાર, બાગાયત વિભાગના નાયબ નિયામક મુકેશભાઈ ગાલવાડિયા, આત્મા પ્રોજેક્ટના પ્રોગ્રામ ડાયરેક્ટર મયુરભાઈ પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમોડાના કૃષિ વૈજ્ઞાનિકો, સંલગ્ન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.