ધવન કેપ્ટન, ચેતન સાકરીયા, પડિક્કલને પણ તક મળશે
નવી દિલ્લી: શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વનડે અને ટી -૨૦ મેચની સિરીઝમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ શિખર ધવન કરશે. જ્યારે ભુવનેશ્વર કુમારને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આ પ્રવાસમાં ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે, જેમાં દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, ચેતન સાકરીયા જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. નીતિશ રાણા, કૃષ્ણપ્પા ગૌતમને પણ પહેલીવાર ટીમ ઈન્ડિયામાં તક મળી છે. આ સાથે જ મનીષ પાંડે, પૃથ્વી શો, સંજુ સેમસનની ટીમમાં વાપસી થઇ છે. વરુણ ચક્રવર્તીનો ફરી એકવાર ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
પહેલા પણ બે વખત આ બોલરનું નામ ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યું છે, પરંતુ નબળી ફિટનેસને કારણે તે હજી પ્રવેશ કરી શક્યો નથી. મોટો સમાચાર એ છે કે, શ્રીલંકા પ્રવાસ પર રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રહેશે. શિખર ધવન (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર (ઉપ-કપ્તાન), પૃથ્વી શો, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતીશ રાણા, ઇશાન કિશન, સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, કૃષ્ણપ્પા ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, દિપક ચહર, નવદીપ સૈની અને ચેતન સાકરીયા. નેટ બોલરો- ઇશાન પોરલ, સંદીપ વૉરિયર, અર્શદીપ સિંહ, સાંઇ કિશોર અને સિમરજીત સિંહ. તમને જણાવી દઈએ કે, બીસીસીઆઈએ રાહુલ તેવાતીયાને ટીમમાં તક આપી નથી.
જેની ઈંગ્લેન્ડ સામેની ટી -૨૦ શ્રેણી માટે પસંદગી કરવામાં આવી હતી. આ સિવાય ડાબોડી ઝડપી બોલર જયદેવ ઉનડકટ પણ ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. શ્રેયસ અયૈર અનફિટ છે, તેથી તેની પણ શ્રીલંકા પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા નથી.
ભારત અને શ્રીલંકા વચ્ચે ૩ વનડે અને ૩ ટી ૨૦ મેચ રમાશે. વનડે સિરીઝની પહેલી મેચ ૧૩ જુલાઇ, બીજી વનડે ૧૬ અને ત્રીજી મેચ ૧૮ જુલાઈએ રમાશે. આ પછી, ટીમ ઈન્ડિયા ૨૧ જુલાઈએ ટી -૨૦ શ્રેણીની પહેલી મેચ રમશે. બીજી મેચ ૨૩ જુલાઈ અને ત્રીજી ટી ૨૦ મેચ ૨૫ જુલાઇએ યોજાશે. તમામ મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે.