ભાજપના નેતાએ મારી સાથે નહીં સચિન તેંડુલકર સાથે વાત કરી હશે : પાયલોટ

Files Photo
નવીદિલ્હી: કોંગ્રેસના યુવા નેતા જિતિન પ્રસાદના ભાજપમાં સામેલ થયા બાદ હવે રાજસ્થાનના નેતા સચિન પાયલોટ પણ કોંગ્રેસ છોડશે તેવી અટકળો ચાલી રહી છે. જાેકે આજે સચિન પાયલોટે પોતાનુ મૌન તોડ્યુ હતુ .
કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાવાના સવાલ પર પાયલોટે કહ્યુ હતુ કે, ભાજપના નેતા રિતા બહુગુણાએ જાે એવુ કહ્યુ હોય કે મારે સચિન સાથે વાત થઈ છે તો તે સચિન હું નહીં પણ કદાચ સચિન તેંડુલકર હશે. રિતા બહુગુણાએ સચિન તેંડુલકર સાથે વાત કરી હશે. મારી સાથે વાત કરવાની હિંમત રિતા બહુગુણામાં નથી.
જાેકે પાયલોટ ભાજપમાં સામેલ થશે તેવી ચર્ચા આ પહેલા પણ અનેક વખત થઈ છે અને દરેક વખતે તેમણે આ પ્રકારની અટકળોને રદિયો આપ્યો છે. દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી નારાજ સચિન પાયલોટને મળીને તેમને મનાવશે તેવી પણ માહિતી જાણવા મળી છે.
કોંગ્રેસ પેટ્રોલ ડિઝલના ભાવમાં થઈ રહેલા વધારા સામે દેશ વ્યાપી દેખાવો કરી રહી છે. જેમાં સચિન પાયલોટ પણ સામેલ થયા હતા. તેમણે કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર અહંકારી છે. આખા દેશમાં કોંગ્રેસની ઝૂંબેશનો પ્રભાવ પડશે. સરકાર આખ કાન બંધ કરીને બેઠી છે પણ તેમણે ભાવ ઘટાડવા પડશે.