મહારાષ્ટ્રથી અમદાવાદ ટ્રેનમાં દારૂની ખેપ મારતી ચાર યુવતીઓ ઝડપાઈ

નારોલ પોલીસે પણ એક કારમાંથી સવા લાખ રૂપિયાનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો
(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં ઠેરઠેર વિદેશી દારૂનું બેફામ વેચાણ થઈ રહયું છે. ગુજરાતમાં વિદેશી દારૂની સૌથી વધુ માંગ અમદાવાદમાં હોવાના પગલે બુટલેગરો દ્વારા વિવિધ કિમીયા અપનાવીને શહેરમાં દારૂ ઘુસાડતા હોય છે ત્યારે પોલીસે રોડ ઉપર બંદોબસ્ત કરતા મહારાષ્ટ્રથી આવેલી ચાર યુવતીઓ ટ્રેન મારફતે દારૂની ખેપ મારતી કૃષ્ણનગર પોલીસના હાથે પકડાઈ છે. બીજી તરફ નારોલ પોલીસે પણ કારનો પીછો કરીને સવા લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે.
કૃષ્ણનગર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે વખતે નવી કેનાલ બોરવેલ આદિશ્વર નજીકથી કેટલીક મહીલાઓ ઈંગ્લીશ દારૂ લઈ જવાની બાતમી મળી હતી જેને પગલે વોચ ગોઠવીને મહારાષ્ટ્રની ચાર યુવતીઓને ઝડપી લેવાઈ હતી. જેમાં લક્ષ્મી નીતીન માછરે (મુંબઈ વેસ્ટ), પુર્ણીમાં નિલેશ ભાટ (પુના), પુજા ચેતન તમાઉચીકર (મુંબઈ વેસ્ટ) તથા સુનીતા અમોલ ટીડેગે (મુંબઈ વેસ્ટ) સામેલ છે તેમની પાસેથી પોલીસે ર૧૪ નંગ બિયરના ટીન ઝડપી લીધા છે. આ ચારેય યુવતીઓ ટ્રેન મારફતે અમદાવાદ આવતી હતી. ટ્રેનમાં મુસાફરી દરમિયાન અલગ બેસતી ચારેય યુવતી પ્લેટફોર્મ પર ઉતર્યા બાદ રીક્ષામાં સાથે બેસતી હતી. આ ચારેય અગાઉ પણ આ રીતે ખેપ મારી હોવાનું કબુલ્યુ છે તેઓ સરદારનગર ખાતે આ બીયરનો જથ્થો પહોચાડવાની હતી પોલીસે ચારેય વિરુધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જયારે નારોલ પોલીસને પણ એક શખ્સ ઈનોવા કારમાં દારૂ ભરી વટવા બીબી તળાવથી નારોલ સર્કલ તરફ જવાનો હોવાની બાતમી મળી હતી જેને આધારે પોલીસે ઈનોવા ગાડીને રોકવાનો પ્રયત્ન કરતા ચાલકે ફુલસ્પીડે કાર ભગાવી હતી અને ગુજકોમાસોલ નજીક કારનું ટાયર ફાટતા હયુન્ડાઈના શો રૂમ આગળ અથડાઈ હતી જેમાંથી ડ્રાઈવર ભાગી છુટયો હતો જયારે પીછો કરીને પહોચેલી પોલીસે તપાસ કરતા ઈંગ્લીશ દારૂની સવા લાખ રૂપિયાની કિંમતની ર૮૬ બોટલો મળી આવી હતી પોલીસે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.