“ખુલ્લી શાળા” પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર સંકુલને બનાવ્યું જ્ઞાનનું માધ્યમ
બાકરોલ કેન્દ્રવર્તી પ્રાથમિક શાળાના શિક્ષકોના નવતર અભિગમે બાળકો માટે શિક્ષણ બનાવ્યું આનંદપ્રદ
શિક્ષણક્ષેત્રે અનુકરણીય પ્રદાન બદલ મોરારી બાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડથી મુખ્યશિક્ષકનું સન્માન
ગોધરા, શિક્ષકની ક્ષમતાઓ માટે ચાણક્યનું વિધાન હતું કે એક શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો. પ્રલય અને નિર્માણ તેના ખોળામાં રમે છે. અર્થાત બાળકોની શક્તિઓને વિધેયાત્મક રૂપ આપવું કે વિધ્વંશકારી તે શિક્ષક ઉપર નિર્ભર છે. શિક્ષક શાળામાં આવીને ૮ તાસ બાળકોને નક્કી થયેલા પુસ્તકો ભણાવવાથી આગળ વધીને તેમના ઘડતરમાં વિશેષ રૂચિ લે અને શિક્ષણની પ્રક્રિયાને શુષ્ક ન રાખતા રસપ્રદ બનાવવા વિવિધ પ્રયુક્તિઓ અજમાવે ત્યારે કેવો ચમત્કાર સર્જાય છે તેનું ઉત્તમ ઉદાહરણ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની બાકરોલ કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા છે. આ શાળામાં ૪૬૫ બાળકો અભ્યાસ કરે છે અને તેમના શિક્ષણકાર્ય માટે ૧૪ શિક્ષકોનો સ્ટાફ છે.
શાળાના પ્રવેશદ્વારથી શરૂ કરીને સંકુલની દરેક દિવાલ બાળકો અને શિક્ષકોએ સાથે મળી કરેલા સર્જનથી જીવંત બની છે. બાળકોએ પ્લાસ્ટિકની બોટલો, ટાયરો વગેરેનો ઉપયોગ કરી જે સુંદર બગીચાનું નિર્માણ કર્યુ છે તે કોઈપણ આર્કિટેક્ચરની કલ્પનાને ટક્કર મારે તેવું છે. મુખ્યશિક્ષકના રૂમથી લઈને શાળાના દરેક વર્ગખંડમાં ભણતરને ભાર વિનાનું બનાવતી અપાર શૈક્ષણિક સામગ્રી જોવા મળે છે અને આ દરેક સામગ્રી વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જાતે જ બનાવી છે.
બાળકો પિરીયડ સિવાયના સમય દરમિયાન સંકુલમાં હરતા-ફરતા હોય ત્યારે પણ રમતા-રમતા ગણિત, વિજ્ઞાન, વ્યાકરણ, ભૂગોળ અને સામાન્ય જ્ઞાનની વિવિધ બાબતો શીખી શકે તે માટે તેને ગમ્મત પડે તેવા સ્વરૂપમાં પ્રદર્શિત કરવામાં આવી છે, જે બાળકો તો ઠીક મોટેરાઓનું પણ ધ્યાન આકર્ષે છે. બાળકો માટે જ્ઞાનોપાર્જન કરવામાં સ્કૂલનો સમય મર્યાદા ન બને તે માટે એક સુંદર ઓપન લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે, જે શાળાના સમયથી ૧ કલાક અગાઉ ખૂલે છે. બાળકો શાળામાં જે પણ સાંસ્કૃતિક-રચનાત્મક પ્રવૃતિઓ કરે તેને શાળાના યુટયુબ એકાઉન્ટ અને ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવે છે, જેથી વાલીઓ અને અન્યો પણ તેને નિહાળી શકે. આ માટે શાળાના વાર્ષિક અહેવાલમાં દરેક પ્રવૃતિની સાથે તેનો ક્યુઆર કોડ પણ આપવામાં આવે છે.
૨૦ વર્ષથી શિક્ષણક્ષેત્રે પ્રવૃત અને ૨૦૧૨થી શાળા સાથે જોડાનારા મુખ્ય શિક્ષક સતિષભાઈ પ્રજાપતિ જણાવે છે કે આ તમામ પ્રવૃતિઓ પાછળ એક જ ધ્યેય છે કે શાળામાં આવનારા બાળકો માટે શિક્ષણ બોજારૂપ ન રહેતા સતત નવીન શીખવાની એક આનંદમય પ્રવૃતિ બની રહે તેમજ બાળકો એકતાનું મહત્વ સમજી સમૂહમાં કામ કરતા શીખે, સામાજિક જીવનના સારા પાઠ શીખે તેમજ એક સારા નાગરિક તરીકે વિકસી એક સ્વસ્થ સમાજ અને સ્વસ્થ વિકસિત દેશના નિર્માણમાં પોતાનું યોગદાન આપે.
એસએમસીના અધ્યક્ષ ગોપાલભાઈ ગોહિલ જણાવે છે કે શાળાના શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓ પ્રતિ એટલા સમર્પિત છે કે વિદ્યાર્થીઓ માટે લાભદાયક એવી કોઈ પણ પ્રવૃતિ જો નાણાના કારણે અટકે એમ હોય તો તેઓ પોતાના પૈસા ઉમેરીને પણ તેને શક્ય બનાવે છે. સતિષભાઈએ પોતાને મોરારીબાપુના હસ્તે મળેલ ચિત્રકૂટ એવોર્ડના રૂા.૨૫,૦૦૦ અને રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અંતર્ગત મળેલ રૂા.૧૦,૦૦૦ની રકમનો ઉપયોગ શાળાને સીસીટીવીથી સુસજ્જ કરવામાં કર્યો છે જેનાથી નાના બાળકોની સલામતી સુનિશ્ચિત કરી શકાય. આ ઉપરાંત, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં મળેલ પ્રોજેક્ટરના ફાયદા જણાતા શાળાના શિક્ષકોએ સ્વખર્ચે બીજુ પ્રોજેક્ટર પણ વસાવ્યું જેથી ઈન્ટરેક્ટિવ શૈક્ષણિક સામગ્રીની મદદથી બાળકોને અઘરા વિષયો શીખવવામાં સરળતા રહે છે.
સતિષભાઈના નેતૃત્વ હેઠળ શાળાના શિક્ષકોના શિક્ષણ પ્રત્યેના પ્રેમ અને લગનનું જ એ પરિણામ છે કે આ વર્ષે ખાનગી શાળાના ૧૨ બાળકોએ પોતાની સ્કૂલ છોડી આ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. શ્રેષ્ઠ શિક્ષકો વિદ્યાર્થીઓના જીવન ઘડતરની પ્રક્રિયામાં અંગત રસ લઈ વિદ્યાર્થીઓને પાંગરવાની અનેકવિધ તકો પૂરી પાડવા માટે નવા નવા પ્રયોગો પણ કરતા રહે છે. આ શિક્ષકો વિદ્યાર્થીઓનો, તેમના વાલીઓનો તથા પોતાના સહકાર્યકરોનો પણ પોતાના કામ થકી અખૂટ વિશ્વાસ સંપાદન કરે છે. તેમની કાર્યનિષ્ઠા અને ઉત્સાહ દાદ માંગી લે તેવા હોય છે. ફક્ત વિદ્યાર્થીઓના જ નહીં પરંતુ પોતાની શાળાના વિકાસ માટે પણ સમર્પિત થઈને તન મન અને ધનથી શ્રેષ્ઠ શિક્ષકો પ્રયાસો કરતા હોય છે અને તેનું ઉત્તમ ઉદાહરણ બાકરોલ ની શાળા અને તેના શિક્ષકો છે.