પેટ્રોલમાં ૨૫ દિવસમાં લિટરે ૬.૦૯નો વધારો થયો
એક દિવસની રાહત પછી સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ફરી એકવાર વધારો કર્યો છે
નવી દિલ્હી: એક દિવસની રાહત પછી સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી એકવાર વધારો કર્યો છે. સોમવારે પેટ્રોલની કિંમતમાં ૨૯ પૈસા પ્રતિ લીટર જ્યારે ડીઝલની કિંમતમાં ૩૦ પૈસા પ્રતિ લીટરની વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધી રહેલી કાચા તેલની માંગને પગલે પણ ભાવમાં વધારો થઈ રહ્યો છે. ભાવ વધારા બાદ દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર ૯૬.૪૧ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૮૭.૨૮ રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે. પેટ્રોલની કિંમતમાં છેલ્લા ૨૫ દિવસમાં ૬.૦૯ રૂપિયા પ્રતિ લીટર વધારો નોંધાયો છે. જ્યારે ડીઝલની કિંમતમાં છેલ્લા ૨૫ દિવસમાં ૬.૩૦ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પ્રમાણે રાજધાની દિલ્હીમાં આજે એક લીટર પેટ્રોલની કિંમત ૯૬.૪૧ રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત ૮૭.૨૮ રૂપિયા છે.
આ જ રીતે મુંબઈમાં પેટ્રોલની કિંમત ૧૦૨.૫૮ રૂપિયા અને ડીઝલની કિંમત ૯૪.૭૦ રૂપિયા, કોલકાતામાં પેટ્રોલની કિંમત ૯૬.૩૪ રૂપિયા અને ડીઝલની કિંમત ૯૦.૧૨ રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત ૯૭.૬૯ રૂપિયા અને ડીઝલની કિંમત ૯૧.૯૨ રૂપિયા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસરપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજાે જાેડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે ૬ વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.