સ્કેમ ૧૯૯૨એ તમામ વેબ સિરીઝને ધોબી પછાડ આપી
મુંબઈ: લોકપ્રિય વેબ સિરીઝ ‘સ્કેમ ૧૯૯૨ઃ ધ હર્ષદ મહેતા સ્ટોરીએ એક જબરદસ્ત સિદ્ધિ મેળવી છે. આ સિરીઝ ઈન્ટરનેટ મૂવી ડેટાબેઝની વિશ્વવ્યાપી સૂચિમાં ટોપ ટેન હાઈએસ્ટ રેટેડ શોમાં જગ્યા મેળવવામાં સફળ રહી છે. પ્રતિક ગાંધી સ્ટારર અને હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત આ વેબસિરીઝ ૨૫૦ કાર્યક્રમોની સૂચિમાં સૌથી વધુ રેટિંગ મેળવનારો શો રહ્યો છે. સ્કેમ ૧૯૯૨ઃ ધ હર્ષદ મહેતા સ્ટોરીને આઈએમડીબી પર ૧૦માંથી ૯.૬ રેટિંગ મળ્યા છે.
હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત આ વેબસિરીઝે વિશ્વસ્તરે સૂચિમાં નવમું સ્થાન મેળવ્યું છે. આઈએમડીબીમાં કોઈ ફિલ્મ કે સિરીઝના રેટિંગ યૂઝર્સ દ્વારા અપાયેલા રેટિંગ્સના આધારે નક્કી થાય છે. લિસ્ટમાં ટોપ પર બેન્ડ ઓફ બ્રધર્સ રહી. ત્યારબાદ ક્રમશ ‘બ્રેકિંગ બેડ’ અને ‘ચેર્નોબિલ’ સામેલ છે. સ્કેમ ૧૯૯૨ની પહેલા ‘ધ વાયર’, ‘અવતારઃ ધ લાસ્ટ એરબેન્ડર’, ‘ગેમ ઓફ થ્રોન્સ’, ‘ધ સોપ્રાનોસ’, ‘રિક એન્ડ મોર્ટી’ ને સ્થાન મળ્યું છે જ્યારે દસમા સ્થાને જાપાની એનીમેટેડ સિરીઝ ધ ફૂલમેન્ટલ અલ્કેમિસ્ટ છે.