રામ મંદિરની જમીન ખરીદવામાં મોટું કૌભાંડ થયેલું છે : સપા
લખનૌ: રામ જન્મભૂમિ ટ્રસ્ટ પર રામ મંદિર માટે જમીન ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. સમાજવાદી પાર્ટીએ અયોધ્યામાં અને આમ આદમી પાર્ટીએ લખનઉમાં પ્રેસ કોન્ફ્રેન્સ કરી આરોપ લગાવ્યો કે ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જે જમીન થોડા સમય પહેલા માત્ર ૨ કરોડ રૂપિયામાં વેચી હતી તે જમીન થોડા સમય બાદ જ ૧૮.૫ કરોડ રૂપિયામાં ખરીદી મોટું કૌભાંડ આચર્યું છે. આ વિશે મીડિયા સાથે વાત કરતાં ચંપત રાયે કહ્યું કે અમે આ આરોપોની કોઈ ચિંતા નથી કરતા. અમારા પર મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ પણ લાગ્યો હતો.
જે ભગવાન રામના નામે આદર્શ રાજ્ય વ્યવસ્થાને રામ રાજ્યનું નામ આપ્યું, એ ભગવાનનું મંદિર બનાવવામાં જ કૌભાંડનો આરોપ છે. સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી પવન પાંડેયે અયોધ્યામાં મીડિયા સમક્ષ રજિસ્ટ્રી દસ્તાવેજ રજૂ કરી આરોપ લગાવ્યો હતો કે રામજન્મભૂમિની જમીન પાસે આવેલ એક જમીન પુજારી હરીશ પાઠક અને તેમની પત્નીએ ૧૮ માર્ચની સાંજે સુલ્તાન અંસારી અને રવિ મોહનને બે કરોડમાં વેચી હતી. તે જમીન જ માત્ર થોડી મિનિટો બાદ જ ચંપત રાયે રામ જન્મભૂમિ ટ્રસ્ટ તરફથી ૧૮.૫ કરોડ રૂપિયામાં ખરીદી લીધી.
અખિલેસ યાદવ સરકારમાં મંત્રી રહેલ પવન પાંડેયે કહ્યું કે, ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યો છું. એવું શું કારણ હતું. એ જમીને ૧૦ મિનિટમાં કયું સોનું કાઢ્યું કે જમીનની ખરીદી ૨ કરોડમાં થઈ હતી અને ૧૦ મિનિટ બાદ જ ૧૮.૫ કરોડ રૂપિયા થઈ ગઈ.
બીજી તરફ એ સમયે જ લખનઉમાં પ્રેસ કોન્ફ્રેન્સ કરી આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે આવા જ આોપો લગાવ્યા. તેમણે કહ્યું કે ૫ મિનિટમાં જમીન ૧૬.૫ કરોડ રૂપિયા મોંઘી થઈ ગઈ, જે વિશ્વ રેકોર્ડ છે. સંજય સિંહે કહ્યું કે, રવિમોહન તિવારી અને સુલ્તાન અંસારી પાસેથી ૧૮.૫ કરોડમાં ૨ કરોડની જમીન ખરીદી. લગભગ ૫.૫ લાખ પ્રતિ એકર જમીનનો ભાવ વધી ગયો.
આખી દુનિયામાં ક્યાંય પણ એક સેકન્ડમાં જમીન આટલી મોંઘી ક્યાંય નહી થઈ હોય.આ મામલે સરકારી દસ્તાવેજ રજૂ કરી આ આરોપ લગાવનારા દળ દોષિતો સામે મોટી કાર્યવાહી ઈચ્છે છે. સંજય સિંહે કહ્યું કે, ‘આ દેશની સરકાર પાસેથી તાત્કાલિક ઈડી અને સીબીઆઈ તપાસ કરાવવામાં આવે તેવી માંગ કરું છું. અને જેઓ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે તેમને પકડી જેલમાં મોકલવામાં આવે.’