ચોટીલા મંદિર ખૂલતાની સાથે કોરોનાની માનતા પૂરી કરવા ઉભરાયાં ભક્તો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/Chotila-temple.jpg)
Files Photo
રાજકોટ: જે રીતે કોરોનાનનું સંક્રમણ હવે ધીમે ધીમે હળવું પડી રહ્યું છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ સરકાર દ્વારા પણ ધીમે ધીમે હવે લોકડાઉનમાંથી બધી છૂટછાટ મળી રહી છે. ત્યારે રવિવારના દિવસે રાજકોટના અલગ-અલગ પર્યટક સ્થળો પર લોકોની ભારે ભીડ જાેવા મળી હતી. આવી જ ભીડ ચોટીલા ખાતે માતાજીના દર્શન માટે પણ જાેવા મળી હતી.
રાજકોટના મનોવિજ્ઞાન ભવનની ટિમ ચોટીલા ખાતે પહોંચી હતી અને ત્યાં દર્શનાર્થે આવનાર લોકોને રસીકરણ જાગૃતિ માટે સમજવાવ્યુ હતું. મનોવિજ્ઞાન ભવનની ટિમને ચોટીલા ખાતે એક અલગ પ્રકારની જ વાતો સામે આવી હતી. જેમાં મોટાભાગના લોકો કોરોના કાળ દરમ્યાન લીધેલી માનતાઓ પૂરી કરવા માટે પહોંચ્યા અહીં દર્શન માટે પહોંચ્યા હતા.
તો ઘણા લોકો હવે ત્રીજી લહેર ન આવે તેના માટે પણ માતાજીને પ્રાર્થના કરવા પહોંચ્યા હતા. દર્શન કરવા આવતા લોકોની ભીડ અતિશય હતી, સવારના ૯થી ૧૨ લોકોને પૂછીને જાણ્યું તો મોટાભાગના લોકોએ કોરોનાની માનતા લીધી હતી, પરિવારના સભ્યોને કોરોના ન થાય અને પોતાને પણ કોરોના ન થાય એ માટે માનતા લેવામાં આવ્યા હતા.
દર્શનાર્થે આવેલા ૫૪% લોકોએ સ્વીકાર્યું કે, અમે માનતા પૂર્ણ કરવા આવ્યા છીએ. વેક્સિનેશન કરાવ્યું કે કેમ, તેનાં જવાબમા ૭૨% લોકોએ ના કહી કે હજુ કરાવ્યું નથી કરાવ્યું અને કરાવવું પણ નથી. કારણ પૂછતાં કહ્યું કે, વેક્સિનની આડ અસર થાય છે, શરીર નબળું પડે છે, લોકોના મૃત્યુ થયા છે, રસી લેવાથી કોરોના થાય છે. માતાજીની રક્ષા હોય પછી બીજી કોઈ બાબતની જરૂર નથી. મોટામોટા લોકો પણ માનતા લે છે, તો અમે તો સાવ નાનાં માણસ છીએ અમારો સહારો માતાજી સિવાય કોણ હોય? આવા તારણો સામે આવ્યા હતા.
આસ્થા અને શ્રદ્ધાએ ભારતની જનતાનો રૂહ છે માટે સરકારે એવો નિયમ લાવવો જાેઇએ કે, જે લોકોએ વેક્સિન લીધી હોય તેનું પ્રમાણપત્ર દેખાડે તેને જ મંદિરમાં પ્રવેશ આપવો જાેઇએ. વેક્સિનેશન થયું હશે તો તે લોકો બીજાને ચેપ નહીં લગાડે. કડક અમલવારી જાે આવી થાય તો શ્રદ્ધાએ વેક્સિનેશનમાં મદદરૂપ થશે.