નોકરીના ચોથા દિવસે જ યુવક માલ ઉપાડી રફુચક્કર
સુરત: ચોકસીબજારની બાજુમાં અઢારગાળા સોસાયટીમાં હીરાની ઓફિસમાંથી નોકરીના ચોથા દિવસે જ કારીગર રૂપિયા ૫૦ હજારની કિંમતના ૭૨ કેટેરના ૩૭૫ હિરા ચોરી કરી નાસી ગયો હતો. કારીગર ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. પોલીસે સીસીફુટેજના આધારે તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
કામરેજ તાલુકાના ખોલવડ ગામ સ્ટાર મનોરથ રેસીડેન્સીમાં રહેતા મૂળ સોમનાથ જીલ્લાના વતની દિલીપકુમાર લાભશંકર ઓઝા (ઉ.વ.૪૧) વરાછા ચોકસીબજારની બાજુમાં અઢારગાળા સોસાયટીમાં હિરાનું લેબરવર્ક કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દિલીપકુમારે તેના ખાતામાં સાત કારીગર રાખ્યા હતા.
જેમાંથી નાઈટ પાળીમાં કામ કરતા મહેન્દ્ર પ્રતાપસિંગ રાજાવત નામનો કારીગર વતન જતા તેની જગ્યાઍ ચાર દિવસ પહેલા પવનસિંગ ઉર્ફે બંટીસિંગ સુબારામ બનીયા (રહે,. સબળગઢ, જારા, મુરેના મધ્યપ્રદેશ)ને કામ ઉપર રાખ્યો હતો અને રાત્રે ખાતામાં જ સુતો હતો. દિલીપકુમારે અલગ અલગ વેપારીઓના મળી ૭૨ કેરેટના કુલ ૩૭૫ હિરા જેની કિંમત રૂપિયા ૫૦ હજાર થાય છે જે હિરા તેની ઓફિસના ટેબલના ખાનામાં મુક્યા હતા.દરમ્યાન ગત તા ૧૦મીના રોજ નાઈટમાં પવનસિંહગે ઓફિસના ટેબલનું લોક તોડી અંદર મુકેલા હીરા ચોરી કરી નાસી ગયો હતો.
બીજા દિવસે સવારે દિલીપકુમાર ઓફિસમાં આવ્યા ત્યારે ટેબલના ખાનાનું લોક તુટેલો અને હિરા ગાયબ હોવાનુ દેખાતા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા તેમાં કારીગર પવનસિંગ હીરા ચોરી કરતો કેદ થયો હોવાનું બહાર આવતા બનાવ અંગે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દિલીપકુમારની ફરિયાદ લઈ પવનસિંગને ઝડતી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે. પોલીસ આરોપીને પકડવામાં ક્યારે અને કેવી રીતે સફળતા મેળવી છે. જાેકે ચોરીના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ હીરા ઉદ્યોગ સાથે જાેડાયેલા લોકોમાં એક ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે