Western Times News

Gujarati News

અમદાવાદ એજયુકેશન ગ્રુપ દ્વારા પ્રોપર SOP સાથે કલાસીસ ચાલુ કરવા આવેદન પત્ર

·         ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશન, ગુજરાત તથા અમદાવાદ એજયુકેશન ગ્રુપ દ્વારા પ્રોપર SOP સાથે કલાસીસ ચાલુ કરવા સમગ્ર ગુજરાતના જિલ્લા-તાલુકા મથકે આવેદન પત્ર આપવામાં આવ્યું.

·         મ્યુનિસિપલ ટેક્સ માફ કરવા અને કેશડોલ આપવા માટે માંગ કરવામાં આવી.

સમગ્ર ગુજરાતમાં એક લાખથી વધારે કોચિંગ અને ટ્યુશન ક્લાસીસ આવેલા છે, જેની સાથે 15 લાખથી વધારે શિક્ષકોના પરિવારો જોડાયેલા છે. ક્લાસીસ બંધ હોવાના કારણે આ 15 લાખ પરિવારોને પડતી મુશ્કેલીઓ (ઘર ખર્ચ, ઘર અને ક્લાસનું ભાડું, લોનના હપ્તા વગેરે) સરકારશ્રી સુધી પહોંચાડવા માટે આ  આયોજન કરેલ છે.

આ અગાઉ પણ વિવિધ માધ્યમો (જેવા કે 15000 ટ્વીટ, 16000 ઈ-મેઈલ, દરેક શહેરમાં મૌન રેલી, વિગેરે) દ્વારા સરકારશ્રીને તકલીફોથી વાકેફ કરવા આવ્યા હતા, પણ તેનો કોઈ પ્રત્યુત્તર ન મળતાં, છેવટે, ના છૂટકે, આજ રોજ સોમવારે 14 જૂનના રોજ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, સહિત સમગ્ર ગુજરાતમાં આવેદન પત્ર આપવામાં આવેલ હતું સાથે સાથે સરકારશ્રીને ઓનલાઇન કોચિંગમાં બોર્ડના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ વિશે પણ અવગત કરાવવામાં આવ્યા હતા.

ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશનના મીડિયા એડવાઇઝર અને ઉપ પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, “જે પ્રમાણે સરકાર વોટર પાર્ક, હોટેલ અને રેસ્ટોરન્ટના મ્યુનિસિપલ ટેક્સ બિલ માફ કરે છે તે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં આવેલ કલાસીસના મ્યુનિસિપલ ટેક્સ તથા પ્રોફેશનલ ટેક્સ માફ કરવા જોઈએ અને સાથે સાથે ક્લાસીસમાં ભણાવવા આવતા શિક્ષકોને કેશડોલની પણ સહાય આપવી જોઈએ.”

FAA ના પ્રમુખ શ્રી વિજય મારુ એ જણાવેલ કે, “આવનારા દિવસોમાં ગુજરાતના 182 ધારાસભ્યોને પણ અમારા સભ્યો મળશે અને હાલની દયનિય પરિસ્થિતિનો ચિતાર આપશે.”

જનરલ સેક્રેટરી પ્રકાશ કરમચંદાની જણાવ્યું હતું કે, “અમારા ક્લાસીસ સત્વરે ચાલુ કરવા માટે પરમિશન  આપવી જોઈએ અને જો આ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં સરકાર સમક્ષ આશ્ચર્યજનક કાર્યક્રમો યોજવામાં આવશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.