રાંચીના પુનદાગ ઓપીમાં ચોરીના બનાવથી લોકો હેરાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/Theft.jpg)
Files Photo
ચોરથી કંટાળેલા સ્થાનિક લોકોએ ઘરની બહાર લખી નાખ્યું, અહીં ચોરી થઈ ગઈ છે, ખોટી મહેનત ના કરો
રાંચી: દેશમાં વર્ષે દહાડે ચોરી અને ઉઠાંતરીની અનેક ઘટનાઓ બને છે. ચોરીની ઘટનાઓ રોકવા માટે પોલીસ ઊંધે માથે થાય છે. લોકો પણ ખૂબ પરેશાન છે. ત્યારે હવે ચોરી રોકવા માટે લોકો પોતાની રીતે પ્રયત્ન કરવા લાગ્યા છે. આજે એવા વિસ્તારની વાત કરવી છે, જ્યાં ચોરીથી કંટાળેલા લોકોએ અલગ જ અંદાજ અપનાવ્યો છે. ઝારખંડની રાજધાની રાંચીના પુનદાગ ઓપી ક્ષેત્રમાં થોડા સમયથી ચોરીના ઘણા બનાવો બની રહ્યા છે. છેલ્લા દસ દિવસમાં એક ડઝનથી વધુ ઘરમાં ચોરી થઈ હોવાનું જાણવા મળે છે. આટલી બધી ઘટનાઓ બની હોવા છતાં ચોર પોલીસના હાથે લાગતા નથી.
હવે એવી સ્થિતિ ઊભી થઈ છે. કે કંટાળેલા લોકોએ પોતાના ઘરની બહાર જ ‘ઘરે પહેલેથી ચોરી થઇ ગઇ છે, ખોટી મહેનત ના કરો’ લખી રાખ્યું છે. અવારનવાર ચોરી થતી હોવાના કારણે અનેક લોકોએ પોતાનો કિંમતી સામાન ગુમાવ્યો છે. હવે લોકો ઘરના ગેટ પર આવું લખવા મજબૂર થઈ ગયા છે. લોકોનું કહેવું છે કે, આ વિસ્તારમાં ખાલી પગવાળા ચોરનો ખૂબ જ આતંક છે. આ ગેંગ આ વિસ્તારમાં સતત ચોરીઓ કરી રહી છે. ચોરીથી લોકો એટલી હદે પરેશાન થઈ ગયા છે કે, પોતાના ઘરની બહાર પોસ્ટર ચોંટાડીને રાખ્યા છે.
જેમાં લખવામાં આવ્યું છે કે અહીં પહેલા પણ ચોરી થઈ ચૂકી છે ખોટી મહેનત ન કરો’ આ વિસ્તારના ભાડુઆતો પણ પરેશાન થઈ ચૂક્યા છે. લોકો પોતાના મકાનો બંધ કરીને જતા બીવે છે. આ ક્ષેત્રના ભગવતી નગરમાં એક સાથે ઘણા ઘર માં ચોર ખાબક્યા હતા અને લાખો રૂપિયાના ઝવેરાત સહિતની કિંમતી વસ્તુઓ ચોર લઈ ગયા હતા. પુનદાગ ઓપી વિસ્તારમાં શનિવારે રાત્રે એક સાથે ઘણા ઘરમાં ચોરી થઈ હતી. ચોર શિક્ષા વિભાગમાં કામ કરનારા જીતેન્દ્રસિંહના મકાનના તાળા તોડીને રોકડ સહિત ઝવેરાતની ઉઠાંતરી કરી ગયા હતા.
તેમના ઘરે ભાડે રહેતા મનોજ અગ્રવાલના ઘરે પણ ચોરે હાથફેરો કર્યો હતો. આ સાથે જ બાજુમાં રહેતા સંજીવકુમાર ખન્નાના ઘરને પણ નિશાન બનાવ્યું હતું. જ્યાંથી રોકડ અને જ્વેલરીની ચોરી થઈ હતી. આ મામલે પોલીસ ફરિયાદ થઇ છે. આ વિસ્તારમાં રહેતો રાહુલ નામનો વ્યક્તિ જણાવે છે કે, ચોરીના બનાવો વધ્યા છે અને પોલીસ આ બાબતે હજુ કશું કરી શકી નથી. જેથી લોકો ચોરને અપીલ કરીને ઘરના તાળા અને દરવાજાની સુરક્ષા કરવા મજબુર થયા છે.