ટીમ ઈન્ડિયાએ વિદેશમાં છેલ્લાં ૬ વર્ષમાં ૧૫ મેચ જીતી છે
નવીદિલ્હી: ભારતીય ટીમે પહેલી ટેસ્ટ મેચ ૮૯ વર્ષ પહેલાં એટલે કે ૧૯૩૨માં લોર્ડ્સના મેદાન પર ઈંગ્લેન્ડ સામે રમી હતી. ભારતીય ટીમે ૧૯૭૦ના દાયકામાં મોટી ટીમ સામે ટેસ્ટ સિરીઝ જીતવાની શરૂ કરી દીધી હતી. પરંતુ વિદેશમાં તેનું પ્રદર્શન અત્યંત ખરાબ હતું. ૧૯૮૩ના વન-ડે વર્લ્ડકપ જીતવા છતાં ૬૭ વર્ષોમાં ભારતીય ટીમનો વિદેશી પીચ પર ટેસ્ટ રેકોર્ડ અત્યંત ખરાબ હતો. ટીમ ઈન્ડિયાએ ૧૯૩૨થી ૧૯૯૯ સુધી વિદેશી ધરતી પર માત્ર ૧૩ ટેસ્ટ મેચ જીતી હતી. આ દરમિયાન ભારતે વિદેશમાં ૧૫૫ ટેસ્ટ મેચ રમી હતી. હવે વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે.
સૌરવ ગાંગુલીએ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળતાં જ વિદેશમાં પણ ભારતીય ટીમ જીતવા લાગી. ભારતે વિદેશી ધરતી પર અત્યાર સુધી ૫૩ ટેસ્ટ મેચ જ જીતી છે. જેમાંથી ૪૦ ટેસ્ટ વર્ષ ૨૦૦૦ પછી જીતી છે. કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ વિદેશમાં વધારે સફળ રહી છે. કોહલી વર્ષ ૨૦૧૪ના અંતમાં ઓસ્ટ્રેલિયાઈ પ્રવાસ પર ભારતીય ટીમનો કેપ્ટન બન્યો હતો. વર્ષ ૨૦૧૫થી ભારતીય ટીમે વિદેશી પીચ પર ૩૨માંથી ૧૫ ટેસ્ટ મેચ જીતી છે. કોહલીની ટીમ શ્રીલંકામાં પાંચ, વેસ્ટ ઈન્ડિઝમાં ચાર, ઓસ્ટ્રેલિયામાં ચાર, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં ૧-૧ ટેસ્ટ જીતવામાં સફળ રહી છે.
ભારતે ૧૯૩૨થી ૧૯૯૯ સુધી ૩૩૦ ટેસ્ટ મેચ રમી હતી. તેમાં ભારત ૧૦૯ ટેસ્ટ મેચ હાર્યું અને માત્ર ૬૧ ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહી. પરંતુ વર્ષ ૨૦૦૦થી ભારતીય ટીમે જીતનો મંત્ર બનાવી લીધો. આ દરમિયાન સૌરવ ગાંગુલી, મહેન્દ્ર સિંહ ધોની, રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે અને વિરાટ કોહલી ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન રહ્યા છે. વર્ષ ૨૦૦૦થી ભારત ૨૨૦ ટેસ્ટ મેચમાં ૧૦૧ જીતી, જ્યારે ૬૦ મેચમાં હારનો સામનો કરવો પડ્યો.
છેલ્લાં ૨૦ વર્ષોમાં વિરાટ કોહલી સૌથી વધારે સફળ રહી. વર્ષ ૨૦૧૫માં ભારતે ૬૪ ટેસ્ટ મેચ રમી અને તેમાં ૪૦માં જીત મળી છે. ભારતને માત્ર ૧૩ ટેસ્ટ મેચમાં હાર મળી છે. જયારે ૧૧ ટેસ્ટ મેચ ડ્રો રહી. આ દરમિયાન ભારતે ૬૨.૫ ટકા મેચ જીતી. વિરાટ કોહલી ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન પણ છે. તેની કેપ્ટનશીપમાં ભારતે ૬૦ ટેસ્ટ મેચમાં ૩૬ મેચ જીતી છે. જ્યારે માત્ર ૧૪ મેચ હારી છે.