ભોજપુરી ફિલ્મોમાં અશ્લીલતાનો ફેલાવો રોકવામાં આવે : રવિ કિશન

નવીદિલ્હી: ભોજપુરી ફિલ્મોથી કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેતા અને ભાજપના સાંસદ રવિ કિશને બિહારના સીએમ નીતીશ કુમાર અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. સાંસદે બંને મુખ્યમંત્રીઓ પાસે ભોજપુરી ફિલ્મોમાં દેખાતી અશ્લીલતા અટકાવવા કડક કાયદા ઘડવાની માંગ કરી છે.ગોરખપુરના ભાજપના સાંસદે બિહાર, યુપીના મુખ્યમંત્રીઓ તેમજ કેન્દ્રીય પ્રધાનોને પત્ર લખીને ભોજપુરી ભાષા પ્રત્યે આદર આપવાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે ભોજપુરી ફિલ્મો અને ગીતો દ્વારા સમાજમાં અશ્લીલતા ફેલાવવામાં આવી રહી છે. તેમણે આ અશ્લીલતાને રોકવા માટે કડક કાયદો બનાવવાની માંગ કરી છે.
રવિ કિશનએ તેમની માંગ સાથે સંબંધિત એક પત્ર કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર અને સંસ્કૃતિ રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલને પણ મોકલ્યો છે.રવિ કિશનએ પત્રમાં કહ્યું- ‘ભોજપુરી ભાષામાં ઘણી ફિલ્મો બની છે, જે આજે પણ આપણા કાનમાં ગુંજી ઉઠે છે. પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં, ભોજપુરી ફિલ્મ અને ખાસ કરીને તેના ગીતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આજની ભોજપુરી ફિલ્મો અને ગીતો અશ્લીલતાનો પર્યાય બની ગયા છે. આ ગંભીર ચિંતાનો વિષય છે.
રવિ કિશન એટલે કે રવિ કિશન શુક્લા હાલમાં ગોરખપુરના ભાજપના સાંસદ છે. રવિ કિશનની ઓળખ ફક્ત ભોજપુરી ફિલ્મોથી બની હતી. તેમણે લગભગ ૩ દાયકા સુધી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું. રવિ કિશનને બોલીવુડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ ભોજપુરીનો સુપરસ્ટાર બન્યા પછી જ મળ્યો હતો. અભિનેતા તરીકેની તેમની લોકપ્રિયતા જાેઈને ભાજપે તેમને ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં ગોરખપુર જેવી મહત્વની બેઠક પરથી ઉતાર્યા હતા.